બુલેટ ટ્રેનના વીજ પુરવઠા માટે ગુજરાતના સબ-સ્ટેશનોને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 220 કે.વી. અંબેઠા ગ્રીડ સ્ટેશન સાથે જોડવામાં આવશે. અહીંથી મળતી વીજળીને અત્યાધુનિક 2 બાય 25 કે.વી. ટ્રેક્શન પાવર સિસ્ટમ મારફતે ઓવરહેડ ઇક્વિપમેન્ટ વાયરો સુધી પહોંચાડવામાં આવશે.
ત્યારબાદ ટ્રેનની છત પર લગાવવામાં આવેલા પેન્ટોગ્રાફ દ્વારા વીજળી ટ્રેન સુધી પહોંચશે. આ સમગ્ર વ્યવસ્થા 25 કે.વી.ના વીજ પુરવઠા પર આધારિત હશે.
24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ સેન્ટરથી દેખરેખ
વીજ પુરવઠામાં કોઈ ટેક્નિકલ વિક્ષેપ ન સર્જાય તે માટે સમગ્ર નેટવર્કને ઓટોમેટેડ બનાવવામાં આવ્યું છે. તેમાં વધારાના ફીડર અને ઓટો ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ 14 સબ-સ્ટેશનોનું સંચાલન એક જ સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવશે.
અહીંથી 24 કલાક રિયલ ટાઇમ મોનિટરિંગ થશે, જેથી વીજળીના વોલ્ટેજમાં ફેરફાર કે અન્ય કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો તેને તાત્કાલિક ઓળખીને ઉકેલી શકાય.
આમ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં માત્ર ટ્રેક અને સ્ટેશન જ નહીં, પરંતુ વીજ પુરવઠાનું વિશાળ નેટવર્ક પણ આધુનિક ટેક્નોલોજીથી તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં આણંદ અને મહેમદાબાદની ભાગીદારી પણ ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ બની રહી છે.