આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ફ્લાયઓવર બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં પણ પ્રોજેક્ટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
હવે અંદાજે ₹33 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ ફ્લાયઓવર માટે જમીનનું ટેસ્ટિંગ સહિતની પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જમીન પરીક્ષણ અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ નિર્માણ કાર્ય આગળ વધારવામાં આવશે.
હજારો લોકોને મળશે ટ્રાફિકમાંથી રાહત
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને અન્ય વાહનચાલકો અવરજવર કરે છે. એપીસી સર્કલ પાસે ફ્લાયઓવર તૈયાર થયા બાદ ટ્રાફિકનું ભારણ ઘટવાની અને વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા છે.
ખાસ કરીને સવાર-સાંજના પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિકમાં અટવાતા નાગરિકોનો કિંમતી સમય બચશે. હવે જોવાનું એ રહેશે કે પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ ફ્લાયઓવરના વાસ્તવિક નિર્માણ કાર્યને કેટલી ઝડપે આગળ વધારવામાં આવે છે અને આણંદ-વિદ્યાનગરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે.