દિવાળીના તહેવાર નિમિત્તે કંપનીઓ અને વેપારીઓ દ્વારા કર્મચારીઓને બોનસ કે ભેટ આપવાની પરંપરા છે. સામાન્ય રીતે મીઠાઈના પેકેટ, રોકડ કવર અથવા બેંક ખાતામાં બોનસ જમા કરાવીને કર્મચારીઓને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવે છે. પરંતુ સુરતના એક કાપડ વેપારીએ કર્મચારીઓ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરવા કંઈક અનોખી જ પહેલ કરી છે. તેમના બોનસ આપવાના અંદાજે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલી મહાદેવ ક્લોથ સેન્ટરના વેપારી રામસ્વરૂપ મુંડેએ પોતાની દુકાનમાં કામ કરતા 20 કર્મચારીઓને દિવાળી નિમિત્તે ₹1 લાખથી વધુનું રોકડ બોનસ આપ્યું હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે તેમણે આ બોનસ સામાન્ય કવર કે લિફાફામાં નહીં, પરંતુ ચાંદી જેવી ચમકતી પૂજાની થાળીમાં ચલણી નોટોના બંડલ સજાવીને કર્મચારીઓને આપ્યું હતું.
₹10થી ₹500 સુધીની નોટોના બંડલથી સજાવી થાળી
આ બોનસની સૌથી આકર્ષક બાબત તેની રજૂઆત હતી. વેપારીએ ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500ની ચલણી નોટોના કડકડતા બંડલ થાળીમાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા હતા. દરેક કર્મચારીને આ રીતે રોકડ બોનસ આપવામાં આવ્યું હતું. નોટોથી ભરેલી થાળીઓ જોઈને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અણધારી ભેટ મળતાં કર્મચારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું.
'કર્મચારીઓ નહીં, મારા પરિવારના સભ્યો છે'
વેપારી રામસ્વરૂપ મુંડેના જણાવ્યા અનુસાર, તેમની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ માત્ર નોકરી કરતા લોકો નથી, પરંતુ તેમના પરિવારનો જ એક ભાગ છે. આખું વર્ષ કર્મચારીઓની મહેનત અને પરસેવાથી વેપાર આગળ વધે છે, ત્યારે દિવાળીના પર્વ પર તેમના પરિવારમાં પણ ખુશી અને સમૃદ્ધિ આવે તેવો તેમનો હેતુ હતો. દરેક કર્મચારી પોતાના પરિવાર સાથે દિવાળીની ખરીદી કરી શકે અને તહેવાર ખુશીથી ઉજવી શકે તે માટે તેમણે આ વિશેષ બોનસ આપવાનું નક્કી કર્યું હતું.
કર્મચારીનું ઘર ખરીદવાનું સપનું થશે સાકાર
આ અનોખી ભેટથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દુકાનમાં કામ કરતાં રેખાબેન ભલાડાએ જણાવ્યું હતું કે તેમને આટલું મોટું બોનસ મળશે તેવી કલ્પના પણ નહોતી. હાલ તેઓ પોતાના ઘરનું સપનું સાકાર કરવા માટે નાણાંની જરૂરિયાત અનુભવી રહ્યાં હતાં. ત્યારે શેઠ તરફથી મળેલી આર્થિક સહાય તેમના માટે આશીર્વાદ સમાન બની છે અને મકાન ખરીદવાના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, લોકો કરી રહ્યા છે વખાણ
કર્મચારીઓને નોટોના બંડલથી ભરેલી થાળીઓ આપવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વેપારીની ઉદારતા અને કર્મચારીઓ પ્રત્યેના અભિગમનાં વખાણ કરી રહ્યા છે. અનેક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, 'શેઠ હોય તો આવા!' જ્યારે કેટલાક લોકો મજાકિયા અંદાજમાં કહી રહ્યા છે કે આવતા વર્ષે આવી જ દુકાનમાં નોકરી કરવી છે.
દિવાળીના પર્વે સુરતના આ વેપારીએ કર્મચારીઓને આપેલી ભેટ માત્ર આર્થિક બોનસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ માલિક અને કર્મચારી વચ્ચેના વિશ્વાસ, લાગણી અને પરિવાર જેવા સંબંધોનું પણ સુંદર ઉદાહરણ બની છે.