ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ વચ્ચે આવેદનપત્ર ભરવાની સમયમર્યાદાને લઈને શિક્ષક આલમમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે. જોકે, આ સમયગાળા દરમિયાન દિવાળી વેકેશન આવતું હોવાથી શાળાઓમાં વહીવટી કામગીરી કેવી રીતે પૂર્ણ થશે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં આવેદનપત્રો 4 નવેમ્બરના બપોરે 12 વાગ્યાથી 3 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી નિયમિત ફી સાથે ઓનલાઇન ભરવાના રહેશે.
બીજી તરફ, રાજ્યની શાળાઓમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થવાનું હોવાથી ફોર્મ ભરવાની કામગીરીમાં મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરવો મુશ્કેલ બની શકે છે.
શાળાઓ બંધ હોય ત્યારે ફોર્મ ભરવાની કામગીરી કેવી રીતે થશે?
શિક્ષકોના જણાવ્યા મુજબ, બોર્ડ પરીક્ષાનાં આવેદનપત્રો ભરવા માટે વિદ્યાર્થીઓની વિગતોની ચકાસણી, પરીક્ષા ફીની વસૂલાત અને ઓનલાઇન ફોર્મ ભરવા સહિતની અનેક વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે છે. આ કામગીરી માટે આચાર્ય અને શિક્ષકોની સંયુક્ત હાજરી જરૂરી બને છે. અનેક ગ્રાન્ટેડ શાળાઓમાં વહીવટી ક્લાર્કની પૂરતી વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ ઉપરાંત, દિવાળી વેકેશન દરમિયાન શિક્ષકોએ પણ પરિવાર સાથે સમય પસાર કરવા અને પ્રવાસ સહિતનાં આયોજન કર્યાં હોય છે. ત્યારે વેકેશનના સમયગાળામાં શાળાની વહીવટી કામગીરી પૂર્ણ કરવી શિક્ષકો માટે પડકારરૂપ બની શકે છે.
શૈક્ષિક મહાસંઘે બોર્ડના સચિવને પાઠવ્યો પત્ર
આ સમગ્ર મામલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્યકક્ષાના આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સંવર્ગના હોદ્દેદારોએ બોર્ડના સચિવને લેખિત રજૂઆત કરી છે. મહાસંઘ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ફરી શરૂ થાય ત્યારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવા અથવા તો હાલ જાહેર કરાયેલી 3 ડિસેમ્બરની અંતિમ તારીખમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
હવે બોર્ડ દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ તેના પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની નજર રહેશે. પરીક્ષાની પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય અને વેકેશન દરમિયાન શાળાઓ પર વધારાનો વહીવટી બોજ ન આવે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.