કરમસદમાં સરદાર પટેલના ઐતિહાસિક નિવાસસ્થાન સહિત આશરે 700 રહેણાંક મિલકતોનો સી-1 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરીના કડક નિયમોને કારણે સ્થાનિક રહીશોને પોતાની માલિકીની મિલકત વેચવા, પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરવા કે તેના પર લોન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
કરમસદનો સમાવેશ આણંદ મહાનગરપાલિકામાં થયા બાદ પણ સી-1 કેટેગરીનો પ્રશ્ન યથાવત રહ્યો છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ વિસ્તારને સી-1 કેટેગરીમાંથી મુક્ત કરી મિલકતોને જૂની શરતમાં ફેરવવામાં આવે, જેથી તેઓ પોતાની મિલકતનો કાયદેસર રીતે ઉપયોગ અને વ્યવહાર કરી શકે.
આ મુદ્દે અગાઉ સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરદાર પટેલના ઐતિહાસિક નિવાસસ્થાન સહિત અસરગ્રસ્ત મિલકતોને આ કેટેગરીમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહ્યા તે દરમિયાન પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં સ્થાનિક રહીશોમાં નિરાશા જોવા મળી હતી.
સી-1 કેટેગરીના કારણે મિલકતધારકોને શું મુશ્કેલીઓ પડે છે?
સી-1 કેટેગરીમાં આવતી મિલકતના વેચાણ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બને છે. મિલકતને જૂની શરતમાં ફેરવવા માટે જંત્રી કિંમતના 20થી 50 ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવવાની જોગવાઈ હોવાનો દાવો કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય મિલકતધારકો પર મોટો આર્થિક બોજ પડે છે.
આ ઉપરાંત, સી-1 કેટેગરીની મિલકતો પર ઘણી સરકારી અને ખાનગી બેંકો હોમ લોન, મોર્ગેજ લોન કે બિઝનેસ લોન આપવા અંગે સંકોચ દાખવે છે. મિલકતમાં નવું બાંધકામ કરવું હોય, વધારાનું બાંધકામ કરવું હોય કે રિડેવલપમેન્ટ કરાવવું હોય તો પણ મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે.
સરદાર પટેલની જન્મભૂમિના રહીશોને કાયમી ઉકેલની આશા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદમાં જ તેમના ઐતિહાસિક નિવાસસ્થાન સહિત અનેક મિલકતો સી-1 કેટેગરીના નિયંત્રણ હેઠળ છે. આ સ્થિતિને કારણે સ્થાનિક રહીશો વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હવે સ્થાનિક રહીશોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર છે. કરમસદ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ પણ આ સમસ્યાનો ઉકેલ કેમ આવ્યો નથી અને આશરે 700 મિલકતધારકોને ક્યારે રાહત મળશે તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.