સંજય ગુપ્તાના નિધન બાદ બાળકોના સમર્થનમાં પરિવારની અપીલ, પાપારાઝીને વીડિયો અને તસવીરો ડિલીટ કરવા વિનંતી

સંજય ગુપ્તાના નિધન બાદ બાળકોના સમર્થનમાં પરિવારની અપીલ, પાપારાઝીને વીડિયો અને તસવીરો ડિલીટ કરવા વિનંતી

બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધન બાદ તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન તેમના અંતિમ સંસ્કાર વખતે બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને તેમના બાળકોની ટીકા થઈ રહી હતી. હવે પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે કે બાળકોની પરિસ્થિતિને સમજવામાં આવે અને તેમના અંગત જીવનનું સન્માન કરવામાં આવે.

મીડિયાની દખલગીરીથી પરિવારને પહોંચ્યું દુઃખ

પરિવાર તરફથી આપવામાં આવેલા સંદેશમાં જણાવાયું છે કે સંજય ગુપ્તા પોતાના પરિવાર અને બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો હજુ કિશોરાવસ્થામાં છે અને તેમણે અચાનક પોતાના પિતાને ગુમાવ્યા છે. પરિવાર હંમેશાં મીડિયાની ચમકદમક અને પાપારાઝીની દખલગીરીથી દૂર રહ્યો છે.

આવા મુશ્કેલ સમયમાં બાળકોના અંગત જીવનમાં મીડિયાની દખલગીરીથી પરિવારને વધુ દુઃખ થયું છે. આઘાતની સ્થિતિમાં પરિવારના કેટલાક સભ્યોએ મીડિયાના લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હોય તો તેને પણ સમજવા અપીલ કરવામાં આવી છે.

બાળકોના વીડિયો અને તસવીરો ડિલીટ કરવા વિનંતી

પરિવારે ખાસ અપીલ કરી છે કે બાળકોની પ્રતિક્રિયાઓને તેમના દુઃખ અને માનસિક સ્થિતિના સંદર્ભમાં જોવામાં આવે. સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એવી તસવીરો, વીડિયો અને કન્ટેન્ટ ડિલીટ કરવા વિનંતી કરવામાં આવી છે, જે બાળકોના મન પર લાંબા સમય સુધી નકારાત્મક અસર કરી શકે છે.

પરિવારે લોકોને બાળકોને પિતાના નિધનના આઘાતમાંથી બહાર આવવા માટે સમય, સહાનુભૂતિ અને ગોપનીયતા આપવાની અપીલ કરી છે.

શું હતી અંતિમ સંસ્કાર દરમિયાનની ઘટના?

31 ઑક્ટોબરની રાત્રે મુંબઈના પવન હંસ સ્મશાનઘાટ ખાતે સંજય ગુપ્તાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના બાળકો કારમાં સ્મશાનઘાટ પહોંચ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દીકરી પાપારાઝીને જોઈને મિડલ ફિંગર બતાવતી જોવા મળી હતી. ત્યારબાદ પાછળની સીટ પર બેઠેલા દીકરાએ પણ અશોભનીય ઇશારા કર્યા હતા.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર બાળકોના વર્તનને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જોકે, હવે પરિવારે આ ઘટનાને પાછળ રહેલી માનસિક સ્થિતિ સમજવા અને બાળકોને એકલા છોડવા અપીલ કરી છે.

3 નવેમ્બરે યોજાશે પ્રાર્થના સભા

સંજય ગુપ્તાના નજીકના મિત્ર અને ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની પ્રાર્થના સભાની માહિતી આપી છે. આ પ્રાર્થના સભાનું આયોજન 3 નવેમ્બરે મુંબઈમાં જુહુ સ્થિત ઇસ્કોન મંદિર નજીક આવેલા મંડપમ હોલમાં કરવામાં આવશે.

રસોડામાં પડી જવાથી થયું હતું નિધન

57 વર્ષીય સંજય ગુપ્તાનું 30 અને 31 ઑક્ટોબરની મધરાત દરમિયાન મુંબઈના રામનગર સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેમનો મૃતદેહ ઘરના રસોડામાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ થોડા કલાકો પહેલાં રસોડામાં પડી ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી.

પોલીસે આ ઘટનાને અકસ્માતજન્ય મૃત્યુ તરીકે તપાસ હેઠળ લીધી હતી. પરિવાર તરફથી કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નહોતી. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક પ્રક્રિયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ હતી. ફરદીન ખાન, અભિષેક બચ્ચન, રાજપાલ યાદવ અને રાકેશ રોશન સહિત અનેક જાણીતા કલાકારો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.

સંજય દત્ત પૂરું કરશે સંજય ગુપ્તાનું અધૂરું સપનું, બનશે 'કાંટે 2'

સંજય ગુપ્તાના નિધન બાદ અભિનેતા સંજય દત્તે પણ ભાવુક પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બંનેએ પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. સંજય ગુપ્તાએ અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને સુનીલ શેટ્ટી અભિનીત ફિલ્મ 'કાંટે'નું દિગ્દર્શન કર્યું હતું.

સંજય દત્તના જણાવ્યા અનુસાર, સંજય ગુપ્તા 'કાંટે 2' બનાવવાની યોજના ધરાવતા હતા અને આ અંગે બંને વચ્ચે ચર્ચા પણ થઈ હતી. હવે તેમના નિધન બાદ સંજય દત્તે તેમનું અધૂરું સપનું પૂરું કરવાની વાત કરી છે.

સંજય ગુપ્તાએ બોલિવૂડમાં ક્રાઇમ, ગેંગસ્ટર ડ્રામા, એક્શન અને અંડરવર્લ્ડ આધારિત ફિલ્મો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમની જાણીતી ફિલ્મોમાં 'કાંટે', 'કાબિલ', 'ઝિંદા' અને 'શૂટઆઉટ એટ વડાલા'નો સમાવેશ થાય છે.