ક્રિકેટના મેદાન પર અફઘાનિસ્તાનની ટીમે વધુ એક વખત પોતાની તાકાત સાબિત કરી છે. હોંગકોંગમાં રમાયેલી હોંગકોંગ સિક્સિસ 2026ની ફાઇનલમાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને પ્રથમવાર ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી આ રોમાંચક ફાઇનલમાં અફઘાનિસ્તાનના બેટરોએ આક્રમક બેટિંગ કરીને માત્ર 5.1 ઓવરમાં જ 116 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ઑસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં બનાવ્યા 115 રન
ફાઇનલમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 6 ઓવરમાં 115 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી મેક્સ બ્રાયન્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 14 બોલમાં 44 રન ફટકાર્યા હતા. જ્યારે નિક હોબ્સને 8 બોલમાં 23 રન અને એલેક્સ રોસે 10 બોલમાં અણનમ 29 રનનું યોગદાન આપ્યું હતું.
અફઘાનિસ્તાન તરફથી નાંગેલિયા ખાન અને કરીમ જનતે એક-એક વિકેટ ઝડપી હતી.
ઇમરાન મીરની તોફાની બેટિંગ, 14 બોલમાં 53 રન
116 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. ઇમરાન મીરે માત્ર 14 બોલમાં અણનમ 53 રન ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેની ઇનિંગ્સમાં 7 છગ્ગાનો સમાવેશ થયો હતો.
બીજી તરફ ફરમાનુલ્લાહ સફીએ પણ માત્ર 7 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 4 છગ્ગા ફટકાર્યા હતા. બંને બેટરોએ શાનદાર બેટિંગ કરીને ટીમને 5.1 ઓવરમાં જ 119/2ના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી અને અફઘાનિસ્તાનને ઐતિહાસિક જીત અપાવી હતી.
હોંગકોંગ સિક્સિસની 22મી સીઝનમાં 12 ટીમો વચ્ચે મુકાબલો
હોંગકોંગ સિક્સિસ 2026 ટૂર્નામેન્ટની 22મી સીઝન હતી. આ સ્પર્ધાનું આયોજન 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન હોંગકોંગના મોંગ કોક સ્થિત મિશન રોડ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 12 દેશોની ટીમોએ ભાગ લીધો હતો.
અફઘાનિસ્તાન માટે આ જીત ખાસ બની રહી છે, કારણ કે ટીમે પ્રથમવાર હોંગકોંગ સિક્સિસનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ઇમરાન મીર અને ફરમાનુલ્લાહ સફીની વિસ્ફોટક બેટિંગે ટીમને ચેમ્પિયન બનાવી દીધી હતી.