ગુજરાતમાં વેપાર-ધંધાની રીતભાતમાં મોટો બદલાવ આવવાની તૈયારી છે.
રાત થઈ એટલે દુકાન બંધ… મોલ બંધ… રેસ્ટોરન્ટ બંધ… આ નિયમ હવે ભૂતકાળ બની શકે છે!
વિધાનસભામાં ગુમસ્તા ધારામાં એવા મહત્વપૂર્ણ સુધારા રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યમાં દુકાનોની સાથે મોલ, હોટેલ, રેસ્ટોરન્ટ અને કેફેને પણ 24 કલાક ખુલ્લાં રાખવાની મંજૂરી મળી શકે છે.
અત્યાર સુધી રાત્રીના સમયને લઈને વેપારીઓને અનેક પ્રકારની મર્યાદાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ નવા સુધારા બાદ માત્ર રાત્રીનો સમય હોવાનું કારણ આપી પોલીસ કોઈ વ્યવસાયિક એકમને બંધ કરાવી શકશે નહીં.
આ બદલાવ માત્ર સમય વધારવાનો નથી, પરંતુ વેપારને સરળ બનાવવાની દિશામાં પણ એક મોટું પગલું છે. દુકાનની નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જોકે, 24 કલાક ધંધો કરવાની છૂટનો અર્થ નિયમોમાં છૂટછાટ એવો નથી. સલામતી અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે અને કર્મચારીઓના કાયદાકીય હકો પણ સુરક્ષિત રહેશે.
એટલે હવે ગુજરાતમાં વેપાર માત્ર દિવસના કલાકો પૂરતો સીમિત નહીં રહે… વેપારનો સમય હવે 24 કલાક સુધી પહોંચી શકે છે!