પેટલાદના 70 વર્ષીય વકીલને એવી રીતે ડરાવવામાં આવ્યા કે અંતે 70 લાખ રૂપિયા ઠગબાજોના ખાતામાં પહોંચી ગયા!”

પેટલાદના 70 વર્ષીય વકીલને એવી રીતે ડરાવવામાં આવ્યા કે અંતે 70 લાખ રૂપિયા ઠગબાજોના ખાતામાં પહોંચી ગયા!”

“સામે પોલીસ અધિકારી હોવાનો દાવો… સ્ક્રીન પર વીડિયો કોલ… અને સતત ધરપકડની ધમકી! પેટલાદના 70 વર્ષીય વકીલને એવી રીતે ડરાવવામાં આવ્યા કે અંતે 70 લાખ રૂપિયા ઠગબાજોના ખાતામાં પહોંચી ગયા!”


પેટલાદમાં ડિજિટલ અરેસ્ટના નામે થયેલી કરોડોની વાતો અને લાખોની સાયબર ઠગાઈનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.


પેટલાદની હિના સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વકીલ નાજીમોદ્દીન મૈયોદ્દીન મિરઝાને 5 જૂનના રોજ એક વોટ્સએપ કોલ આવ્યો હતો.


કોલ કરનારે પોતાની ઓળખ મહારાષ્ટ્ર ATSના ઇન્સ્પેક્ટર અશોકકુમાર તરીકે આપી હતી અને શરૂઆતમાં તેમનો આધાર નંબર પૂછ્યો હતો.


આધાર નંબર મળ્યા બાદ શરૂ થઈ ડરાવવાની આખી સ્ક્રિપ્ટ!


ઠગબાજોએ વકીલને જણાવ્યું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ બેન્કોમાં ખાતાં ખોલવામાં આવ્યા છે અને આ ખાતાઓ મારફતે આશરે 7 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ થયું છે.


એટલું જ નહીં, આ પૈસાનો ઉપયોગ પાકિસ્તાન સુધીની આતંકવાદી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો હોવાનો દાવો કરીને તેમને વધુ ડરાવવામાં આવ્યા હતા.


આરોપીઓએ તેમને કેસમાં ફસાવી દેવાની અને ધરપકડ કરવાની ધમકીઓ આપી. કોઈને આ વાતની જાણ કરશો તો વધુ મુશ્કેલી ઊભી થશે તેવી ચેતવણી પણ આપવામાં આવી.


વીડિયો કોલ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હોવાનો ભાસ ઊભો કરીને, અલગ-અલગ અધિકારીઓ સાથે વાત કરાવવાના નામે વકીલ પર માનસિક દબાણ કરવામાં આવ્યું.


અને આ રીતે એક વકીલને જ કાયદાના નામે ડરાવીને… ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવ્યા!


ત્યારબાદ આરોપીઓએ વકીલની આવક અને બેન્ક ખાતામાં રહેલી રકમની વિગતો મેળવી અને કહ્યું કે ખાતામાં રહેલા પૈસાનું વેરિફિકેશન કરવું પડશે.


ઠગબાજોના જણાવ્યા મુજબ અલગ-અલગ બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી અને આખરે વકીલના જુદા જુદા ખાતામાંથી કુલ 70 લાખ રૂપિયા ઠગબાજોએ પડાવી લીધા.


ઘટનાની જાણ થતાં વકીલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઇમે હાલ એક આરોપીને ઝડપી પાડ્યો છે, જેને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


યાદ રાખજો… પોલીસ, ATS, CBI કે કોઈપણ તપાસ એજન્સી તમને વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું નથી કહેતી!


ડરશો નહીં… કોઈને પૈસા મોકલશો નહીં… અને શંકાસ્પદ કોલ આવે તો તરત સાયબર ક્રાઇમની મદદ લો.


કારણ કે સાયબર ઠગબાજોની સૌથી મોટી તાકાત ટેકનોલોજી નથી… તમારી અંદર ઊભો કરવામાં આવેલો ડર છે!