“દૂધની વસ્તુઓના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ? દહીંમાંથી માખીઓ અને જીવાતો મળતા મનપાની ટીમ પણ ચોંકી ગઈ!”
આણંદના વિદ્યાનગરમાં આવેલી શિવ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગની આકસ્મિક તપાસ દરમિયાન એવી ક્ષતિઓ સામે આવી છે કે ગ્રાહકો ખરીદતા પહેલાં હવે બે વાર વિચાર કરે!
મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતાં અહીં માવા અને પનીરના પેકેટ પર એક્સપાયરી ડેટ સહિતની જરૂરી માહિતી જ જોવા મળી નહોતી. તો બીજી તરફ મોટાભાગની ખાદ્યચીજોના પેકિંગ પર પણ જરૂરી લેબલિંગ અને તારીખોની માહિતીનો અભાવ જોવા મળ્યો હતો.
એટલું જ નહીં… શ્રીખંડ સહિતના કેટલાક પેકિંગ જૂના હોવાનું સામે આવ્યું, જ્યારે દહીંમાં તો માખી સહિતની જીવાતો મળી આવતા ગંભીર સવાલો ઊભા થયા છે.
નિરીક્ષણ દરમિયાન દુગ્ધાલયમાં સ્વચ્છતાનો પણ સદંતર અભાવ હોવાનું મનપાની ટીમના ધ્યાનમાં આવ્યું. આ ગંભીર ક્ષતિઓને પગલે આરોગ્ય વિભાગે શિવ દુગ્ધાલયને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ખાસ કરીને પનીર અને માવા જેવી વસ્તુઓ લાંબા સમય સુધી જૂની રહી જાય તો તેના સેવનથી ફૂડ પોઇઝનિંગ, અપચો અને પેટના દુખાવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો વધી શકે છે.
લૂઝ પેકિંગની વસ્તુઓમાં એક્સપાયરી ડેટ ફરજિયાત ન હોય, પરંતુ ગ્રાહકોને તાજી અને ગુણવત્તાયુક્ત વસ્તુ જ મળે તેની જવાબદારી કોની?
સવાલ માત્ર 30 હજારના દંડનો નથી… સવાલ એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ક્યારે બંધ થશે?
આવી જ સ્થાનિક અને ધારદાર ખબર માટે Urban Gujaratને Follow કરતા રહો!