“દબાણ હટાવવાની ઝુંબેશનો સતત બીજો દિવસ… પરંતુ સવાલ એ છે કે દબાણ હટ્યા બાદ રોજગારી માટે વેન્ડરો ક્યાં જશે?”
કરમસદ-આણંદ મનપા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે.
શહેરના જુના બસમથક માર્ગ, ટાઉન હોલ, વિદ્યાનગર રોડ, અમૂલ ડેરી માર્ગ અને ગુરુદ્વારા સર્કલ સહિતના વિસ્તારોમાં મનપાના એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
માર્ગો પર ઉભી રહેતી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ સહિત 10થી વધુ લારીઓ અને અંદાજે 30 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. વ્હેરાઈ માતા માર્ગ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આગામી સપ્તાહમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.
પરંતુ આ કાર્યવાહી વચ્ચે એક મોટો સવાલ પણ ઊભો થયો છે…
માર્ગ પરથી દબાણ તો હટાવી દેવાશે, પરંતુ રોજીરોટી માટે લારી ઊભી રાખતા નાના વેપારીઓનું શું?
શહેરમાં મોટાભાગના દબાણો એવા વેન્ડરો દ્વારા કરવામાં આવે છે, જેઓ લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે મનપા દ્વારા પૂરતા પ્રમાણમાં વેન્ડર ઝોનની વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતાં, રોજગારી અને ટ્રાફિક વ્યવસ્થા વચ્ચેનો આ સંઘર્ષ સતત જોવા મળી રહ્યો છે.
દબાણમુક્ત રસ્તા જરૂરી છે… પરંતુ શું રોજગારી માટે વ્યવસ્થિત વેન્ડર ઝોન પણ એટલા જ જરૂરી નથી?
હવે જોવાનું એ રહેશે કે મનપાની આ ઝુંબેશ માત્ર દબાણો દૂર કરવા સુધી સીમિત રહેશે કે પછી નાના વેપારીઓ માટે પણ કોઈ કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે?
કારણ કે દબાણ હટાવવું સરળ છે… પરંતુ રોજીરોટી માટે વિકલ્પ આપવો પણ એટલો જ જરૂરી છે!