આણંદ જિલ્લામાં જમીનના વેચાણ અને ખેડૂતના દરજ્જાને લઈને સામે આવેલા ગંભીર આક્ષેપો મામલે હવે કાનૂની કાર્યવાહી કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ભરાયું છે. કથિત બનાવટી દસ્તાવેજો અને ખોટા પુરાવાના આધારે ખેડૂતનો દરજ્જો મેળવી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી હોવાના આક્ષેપો સાથે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના કાનૂની અધિકારી સંજય એસ. નારોલાએ અરજદાર નકુલકુમાર કિરીટકુમાર ગાભાવાળાની અરજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પ્રાથમિક તપાસ અહેવાલના આધારે કાનૂની સમીક્ષા હાથ ધરી હતી. સમીક્ષા બાદ ગુનો દાખલ કરવા અંગે સ્પષ્ટ કાનૂની અભિપ્રાય આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ખેડૂતનો દરજ્જો મેળવવા ખોટા દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ
અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ, દિનેશભાઈ અંબાલાલ રાવળ અને સુભાષભાઈ અંબાલાલ રાવળ બિનખેડૂત હોવા છતાં ખેડૂતનો દરજ્જો મેળવવા માટે કથિત રીતે ખોટા દસ્તાવેજોનો સહારો લીધો હતો. આક્ષેપ છે કે તેમની માતા લક્ષ્મીબેનના સાચા મરણ રેકર્ડનો ઉપયોગ કરીને તે જ તારીખે નંદુબેનના નામનો કથિત બનાવટી મરણ દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રતનપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દક્ષેશભાઈ મેઘા અને ઓપરેટર વિજયભાઈ રાઠોડ મારફતે કથિત બનાવટી પેઢીનામું તૈયાર કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ અરજીમાં કરવામાં આવ્યા છે.
નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાનો મામલો
અરજીમાં વધુમાં જણાવ્યા મુજબ, કથિત બનાવટી દસ્તાવેજોના આધારે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવામાં આવી હતી. આ પ્રક્રિયાના કારણે સરકારને ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમમાં મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ છે. સમગ્ર પ્રકરણમાં રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે.
રજિસ્ટર્ડ વેચાણ બાનાખત છતાં અન્યને જમીન વેચ્યાનો આક્ષેપ
આ જમીન વિવાદમાં અરજદાર સાથે અગાઉ રજિસ્ટર્ડ વેચાણ બાનાખત કરવામાં આવ્યું હોવા છતાં જમીન અન્ય ત્રાહિત પક્ષકારોને વેચી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને પણ કાનૂની તપાસની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
તત્કાલીન મહેસૂલી અધિકારીઓની ભૂમિકા પણ તપાસાશે
કાનૂની અભિપ્રાયમાં માત્ર દસ્તાવેજો તૈયાર કરનાર અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ પૂરતી તપાસ સીમિત ન રાખતાં, જમીનના રેકર્ડમાં થયેલા ફેરફારો તથા સમગ્ર પ્રક્રિયામાં તત્કાલીન મહેસૂલી અધિકારીઓની સંભવિત ભૂમિકા અંગે પણ તપાસ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આમ, આણંદ જિલ્લામાં જમીનના વ્યવહારો, કથિત બનાવટી દસ્તાવેજો અને મહેસૂલી પ્રક્રિયાને લઈને ઊભા થયેલા આ વિવાદમાં હવે પોલીસ ફરિયાદ અને આગળની કાનૂની કાર્યવાહી તરફ નજર મંડાઈ છે. જોકે, અરજીમાં કરાયેલા આક્ષેપોની સત્યતા તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.