દેશની અદાલતોમાં વર્ષોથી ચાલી રહેલા કેસોના નિકાલમાં થતા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. લોકોને સમયસર ન્યાય મળે અને ચુકાદાઓ વર્ષો સુધી અટવાઈ ન રહે તે માટે સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટ માટે નવી અને બંધનકર્તા માર્ગદર્શિકા જાહેર કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આપેલા આ ઐતિહાસિક નિર્ણય મુજબ, કોઈપણ કેસમાં સુરક્ષિત રાખવામાં આવેલો ચુકાદો હવે વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર જાહેર કરવો ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે જામીન સંબંધિત કેસોમાં પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલા આવા કેસોમાં શક્ય હોય ત્યાં સુધી સુનાવણીના બીજા જ દિવસે ચુકાદો સંભળાવવો પડશે. જામીન મંજૂર થયા બાદ જેલ સત્તાધીશોને તાત્કાલિક જાણ કરવાની રહેશે અને અંડરટ્રાયલ કેદીઓને તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે જેલમાંથી મુક્ત કરવાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે.
નવી ગાઇડલાઇન્સ મુજબ, કોર્ટ ચુકાદાનો મુખ્ય નિર્ણય તરત જાહેર કરી શકશે, પરંતુ તેના કારણો અને સંપૂર્ણ વિગત સાત દિવસની અંદર કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવી ફરજિયાત રહેશે. સાથે જ કયા કેસનો ચુકાદો કઈ તારીખથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે તેની માહિતી પણ હાઇકોર્ટની વેબસાઇટ પર જાહેર રાખવાની રહેશે, જેથી ન્યાયિક પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી શકે.
સુપ્રીમ કોર્ટે ચુકાદાઓમાં થતા વિલંબ સામે કડક કાર્યવાહીનો પણ માર્ગ ખુલ્લો રાખ્યો છે. જો કોઈ જજ ત્રણ મહિનાની અંદર ચુકાદો જાહેર નહીં કરે તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ બે અઠવાડિયાનો સમય આપી શકશે. તેમ છતાં નિર્ણય નહીં આવે તો કેસને બીજી બેન્ચ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ઉપરાંત, જો ચુકાદાના કારણો 15 દિવસ સુધી વેબસાઇટ પર અપલોડ નહીં થાય તો સંબંધિત પક્ષ અરજી કરી શકશે. જ્યારે 30 દિવસ સુધી કારણો જાહેર નહીં થાય તો કેસને નવી બેન્ચ સમક્ષ ફરીથી સુનાવણી માટે રજૂ કરવાની માંગણી પણ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે ઝારખંડ હાઇકોર્ટમાં વર્ષો સુધી સુરક્ષિત રાખવામાં આવેલા ચુકાદાઓ અંગે કરવામાં આવેલી ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. ત્યારબાદ દેશની તમામ હાઇકોર્ટ પાસેથી માહિતી મંગાવી અને ન્યાયિક પ્રક્રિયાને ઝડપી તથા જવાબદાર બનાવવા માટે આ મહત્વપૂર્ણ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દેશની ન્યાય વ્યવસ્થામાં એક મોટા સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે.