Advertisement

કેનેડામાં બોરસદની યુવતીની કરૂણ હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

કેનેડામાં બોરસદની યુવતીની કરૂણ હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ


આણંદ જિલ્લાના બોરસદ ની 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાનીની કેનેડામાં ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા પરિવારજનો, સગાસંબંધીઓ અને મિત્રવર્તુળમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.


મળતી માહિતી મુજબ વિધી મેઘાની છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસની સાથે નોકરી કરીને પોતાનું ભવિષ્ય ઘડી રહી હતી. અન્ય ભારતીય વિદ્યાર્થીઓની જેમ ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દીના સપના સાથે તે કેનેડા ગઈ હતી.


ગત 15 મેના રોજ અમેરિકાની સરહદ નજીક આવેલા વિસ્તારમાં વિધી પર અજાણ્યા શખ્સે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ભારતીય સમુદાયમાં પણ ચિંતા અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


આ મામલે કેનેડાની પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોરની ઓળખ તેમજ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, બોરસદમાં વિધીના પરિવારજનો માટે આ આઘાતજનક ઘટના બની છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

Advertisement