Advertisement

100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, કરા સાથે ભારે વરસાદની આગાહી; IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, કરા સાથે ભારે વરસાદની આગાહી; IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

નવી દિલ્હી: દેશમાં ચોમાસું હજુ સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચોમાસાની ઝડપી પ્રગતિને કારણે ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. જ્યારે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદી માહોલ સર્જાશે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં તોફાની હવામાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.


દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં પણ 70થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી-તોફાન ફૂંકાવાની સાથે ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડમાં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.


ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદ, કરા અને 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. હવામાન વિભાગે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.


મધ્ય પ્રદેશમાં હાલ ચાલી રહેલી હીટવેવની અસર હવે ઘટવાની શક્યતા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં તોફાની પવન અને વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વરસાદી સિસ્ટમના કારણે દેશના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 6થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે. IMDએ લોકોને અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા અને ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.

Advertisement