શેરડીનો રસ પીવા ઉભેલા પાંચ લોકોને અડફેટે લીધા; બેના મોત, ત્રણ ગંભીર
આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક આજે (29 મે) વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, બોટાદના ડીવાયએસપી એ.એ. સૈયદની કાર અચાનક બેકાબૂ બની જતાં માર્ગ કિનારે ઉભેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
શેરડીના રસના કોલુ પાસે ઉભેલા લોકો બન્યા અકસ્માતનો ભોગ
પ્રાથમિક માહિતી મુજબ, ડીવાયએસપી એ.એ. સૈયદ વડોદરાથી આણંદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર કેટલાક લોકો શેરડીના રસના કોલુ પાસે ઉભા રહી રસ પી રહ્યા હતા. અચાનક ઝડપથી આવી રહેલી કારનો કાબૂ ગુમાવતા વાહન સીધું જ આ લોકો પર ફરી વળ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે શેરડીનો રસ કાઢવાનું કોલુ પણ દૂર સુધી ફંગોળાઈ ગયું હતું.
બેના ઘટનાસ્થળે મોત, ત્રણને હોસ્પિટલ ખસેડાયા
કારની અડફેટે આવેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝોકું આવતાં અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા
ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે એવી ચર્ચા ચાલી રહી છે કે વાહન ચલાવતી વખતે ડીવાયએસપી એ.એ. સૈયદને અચાનક ઝોકું આવી જતા કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસ તપાસ શરૂ
વાસદ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. અકસ્માતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.