Advertisement

વલ્લભવિદ્યાનગર ખાતે ‘ પ્રથમ ચરોતર સાહિત્ય ઉત્સવ - ૨૦૨૬’નું ભવ્ય આયોજન: સર્જક, સમાજ અને સંવેદનાનો જામશે ત્રિવેણી સંગમ

વલ્લભવિદ્યાનગર ખાતે ‘ પ્રથમ ચરોતર સાહિત્ય ઉત્સવ - ૨૦૨૬’નું ભવ્ય આયોજન: સર્જક, સમાજ અને સંવેદનાનો જામશે ત્રિવેણી સંગમ

આણંદ: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૪ અને ૧૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વલ્લભવિદ્યાનગર ખાતે બે દિવસીય  પ્રથમ 'ચરોતર સાહિત્ય ઉત્સવ - ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સર્જક, સમાજ અને સંવેદનાનો જીવંત સંવાદ’ થીમ પર આધારિત આ મહોત્સવ ઈપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે યોજાશે.


ઉત્સવના પ્રથમ દિવસે સવારે ૧૦:૩૦ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલ અને અધ્યક્ષ તરીકે ડૉ. ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ડૉ. જયેન્દ્રસિંહ જાદવ સ્વાગત પ્રવચન કરશે. ઉદ્ઘાટન સત્ર બાદ વિવિધ સત્રોમાં સાહિત્યની વિવિધ ધારાઓ વિશે ચર્ચાઓ થશે. જેમકે 


 * સત્ર-૧ (ચરોતરનો સર્જકપ્રવાહ): આ સત્રમાં જ્ઞાનમાર્ગી કવિ પ્રીતમ, ઈશ્વર પેટલીકર અને રાવજી પટેલ જેવા સમર્થ સર્જકોના પ્રદાન વિશે ડૉ. પ્રશાંત પટેલ, ડૉ. અજયસિંહ ચૌહાણ અને શ્રી ગુણવંત વ્યાસ વક્તવ્ય આપશે.

 * સત્ર-૨ (કાવ્યતરંગ): બપોરે ૩:૦૦ કલાકે યુવા કવિ સંમેલન યોજાશે, જેમાં શૈલેષ પંડ્યા, નિમેષ પરમાર સહિતના યુવા કવિઓ કાવ્ય પઠન કરશે.

 * સત્ર-૩ (ચરોતરનું ગીત-સંગીત): સાંજે ૪:૩૦ કલાકે રવિન નાયક અને સાથી કલાકારો દ્વારા કાવ્ય સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે.

 * સત્ર-૪ (એકાંકી નાટક): રાત્રે ૮:૩૦ કલાકે 'સરસ્વતીચંદ્ર' અને 'ભદ્રંભદ્ર'ની સવા શતાબ્દી નિમિત્તે વિશેષ નાટક-ગીત-ગોષ્ઠિ અને 'તમે કલમ મ્યાન કરી' એકાંકી રજૂ થશે.


ઉત્સવના બીજા દિવસની શરૂઆત સવારે ૫:૦૦ થી ૯:૦૦ દરમિયાન સરદાર પટેલ સ્ટેચ્યૂથી યોજાનારી પ્રભાતફેરીથી થશે.

 * સત્ર-૫ (નડિયાદની સાક્ષર ત્રિપુટી): ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ ન. દ્વિવેદી અને બાલાશંકર કંથારિયાના સાહિત્યિક પ્રદાન પર શ્રી હસિત મહેતા, શ્રી કુમાર જૈમિની શાસ્ત્રી અને ડૉ. અલ્પા વિરાશ પ્રકાશ પાડશે.

 * સત્ર-૬ (ચરોતર કલા-અધ્યાત્મનું કેન્દ્ર): શ્રી કનુ પટેલ ચરોતરના ભીંતચિત્રો વિશે રસપ્રદ માહિતી આપશે.

 * સત્ર-૭ (ચરોતરના સમાજ-સાહિત્ય શિલ્પીઓ): બપોરે ૩:૦૦ કલાકે સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને જોસેફ મેકવાનના જીવન-કવન વિશે ચર્ચા કરવામાં આવશે.

 * સત્ર-૮ (ચરોતરનું શબ્દધન): સાંજે ૪:૦૦ કલાકે પ્રો. આલોક ચક્રવાલના અધ્યક્ષસ્થાને કાવ્ય-ગોષ્ઠિ યોજાશે, જેમાં હરીશ મીનાશ્રુ અને મણિલાલ હ. પટેલ જેવા દિગ્ગજ સાહિત્યકારો જોડાશે.

 * સમાપન સત્ર: રાત્રે ૮:૦૦ કલાકે ધ્રુવ ભટ્ટ લિખિત પ્રખ્યાત નવલકથા 'અકૂપાર' પર આધારિત નાટકનું મંચન થશે, જેના દિગ્દર્શક અદિતિ દેસાઈ છે.



આ મહોત્સવમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગો, યુનિવર્સિટી સંલગ્ન આણંદ અને નડીઆદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે એન. એસ. પટેલ આર્ટ્સ કૉલેજ (આણંદ), નલિની અરવિંદ એન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજ (વલ્લભ વિદ્યાનગર), આણંદ આર્ટ્સ કૉલેજ (આણંદ), શ્રી ભીખાભાઈ પટેલ આર્ટ્સ કૉલેજ (આણંદ) અને સુરજબા મહિલા આર્ટ્સ કૉલેજ (નડીઆદ)  સહિત કોલેજો સહભાગી સંસ્થાઓ તરીકે જોડાઈ છે.


આ સાહિત્યિક મહોત્સવમાં સહભાગી થવા અને ચરોતરની સમૃદ્ધ વિરાસતને માણવા માટે સાહિત્યપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement