Advertisement

વાવ-થરાદમાં નશાના દૂષણ સામે જિજ્ઞેશ મેવાણીનું રણશિંગુ: 29મીએ SP કચેરી ગજવશે જનશક્તિ, મહિલાઓ પૂછશે પોલીસને સવાલ

વાવ-થરાદમાં નશાના દૂષણ સામે જિજ્ઞેશ મેવાણીનું રણશિંગુ: 29મીએ SP કચેરી ગજવશે જનશક્તિ, મહિલાઓ પૂછશે પોલીસને સવાલ

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં દિન-પ્રતિદિન વકરી રહેલા નશાના કારોબાર સામે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર આક્રમક તેવર બતાવ્યા છે. શુક્રવારે (24 એપ્રિલ) સવારે શિવનગર ખાતે આયોજિત એક વિશાળ જનસભામાં મેવાણીએ પોલીસ પ્રશાસન અને સરકારની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ લડાઈને મજબૂત બનાવવા માટે તેમણે આગામી 29મી એપ્રિલે એસ.પી. (SP) કચેરીના ઘેરાવનું એલાન કર્યું છે.


 સભાને સંબોધતા જિજ્ઞેશ મેવાણીએ આંદોલનની અનોખી વ્યૂહનીતિ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે, "આગામી 29મી એપ્રિલે સવારે 11:00 વાગ્યે જ્યારે શિવનગરના રહીશો મોટી સંખ્યામાં એસ.પી. કચેરી પહોંચશે, ત્યારે આ લડાઈનું નેતૃત્વ વિસ્તારની પાંચ બહાદુર મહિલાઓ કરશે. આ મહિલાઓ પોલીસ અધિકારીઓની આંખમાં આંખ પરોવીને સીધા સવાલ પૂછશે કે તેમના વિસ્તારમાં કોની રહેમનજર હેઠળ નશાનું વેચાણ થઈ રહ્યું છે."


 મેવાણીએ પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "શું પોલીસ પ્રશાસન શિવનગર અને થરાદના યુવાધનને બરબાદ થતું જોવા માંગે છે? દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ જેવા નશાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાં તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે?" તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે જ નશાના સોદાગરો બેફામ બન્યા છે.


યુવાનોમાં ફેલાઈ રહેલા નશાના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતા મેવાણીએ ભાવુક અપીલ કરી હતી કે આ બદી શિવનગરના ભવિષ્યને ખોખલું કરી રહી છે. તેમણે સ્થાનિકોને હાકલ કરી હતી કે 29મી એપ્રિલના કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને નશાના કારોબારીઓ અને નિષ્ક્રિય તંત્રને કડક સંદેશ આપે.


આ સભા બાદ સમગ્ર વાવ-થરાદ પંથકમાં નશાના દૂષણ સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને 29મી એપ્રિલના ઘેરાવના કાર્યક્રમ પર સૌની નજર ટકેલી છે.

Advertisement