ઉમરેઠના 73 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.15 લાખની છેતરપિંડીનો આક્ષેપ, કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી યુવકે પૈસા પડાવ્યા

ઉમરેઠના 73 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.15 લાખની છેતરપિંડીનો આક્ષેપ, કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી યુવકે પૈસા પડાવ્યા

આણંદ જિલ્લાના ઉમરેઠમાં ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપીને 73 વર્ષીય વૃદ્ધ વેપારી સાથે રૂ.15 લાખની છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. નિરમા કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને યુવકે વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે રૂ.15 લાખ મેળવ્યા હતા. લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટ ન મળતાં વૃદ્ધે પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ યુવક દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. આખરે કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપતાં ઉમરેઠ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર, ઉમરેઠમાં રહેતા 73 વર્ષીય પ્રફુલ્લકુમાર પાઠકના મકાનનો ઉપરનો માળ વર્ષ 2020માં ખાલી હતો. તે દરમિયાન વિશાલ ગોવિંદ વાળંદ નામનો યુવક પોતાની પત્ની અને બાળક સાથે ત્યાં રહેવા આવ્યો હતો. તેણે પોતે નિરમા કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન વૃદ્ધ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હોવાનું જાણીને વિશાલે તેમને કંપનીના કર્મચારીઓને કંપનીથી સલુણ બ્રિજ સુધી લાવવા-લઈ જવાનો ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ અપાવવાની વાત કરી હતી. આ માટે તેમના વાહનો કંપનીના કોન્ટ્રાક્ટમાં મૂકવાના રહેશે અને ડિપોઝિટ પેટે રૂ.15 લાખ જમા કરાવવા પડશે તેમ જણાવ્યું હતું. આ રકમ કોન્ટ્રાક્ટ મળ્યાના બે મહિના બાદ પરત મળી જશે તેવી ખાતરી પણ આપી હતી.

મેનેજરને મળવા લઈ ગયો, સહી-સિક્કાવાળી રસીદ પણ આપી

વિશાલે વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે અમદાવાદ સ્થિત GIDC ખાતે મેનેજરને મળવા લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ત્યાં મેનેજર સાથે મુલાકાત થઈ શકી નહોતી. તેમ છતાં યુવકની વાતોમાં વિશ્વાસ રાખીને અને વ્યવસાયમાં નવી આવક ઊભી થવાની આશાએ વૃદ્ધે ટુકડે-ટુકડે કુલ રૂ.15 લાખ ચૂકવ્યા હતા.

આ રકમના બદલામાં વિશાલે મેનેજરની સહી અને સિક્કા ધરાવતી રસીદ પણ આપી હતી. જોકે, બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટ અંગે કોઈ કાર્યવાહી ન થતાં વૃદ્ધે કોન્ટ્રાક્ટ આપવા અથવા તો પોતાના પૈસા પરત કરવાની માંગ કરી હતી.

સાડા આઠ લાખનો ચેક આપ્યો, મકાન ખાલી કરીને યુવક ફરાર

વૃદ્ધને વિશ્વાસમાં રાખવા માટે વિશાલે એડવાન્સ તારીખનો રૂ.8.50 લાખનો ચેક આપ્યો હતો અને તમામ નાણાં પરત કરવાની ખાતરી આપી હતી. જોકે, બાદમાં તે પોતાનું મકાન ખાલી કરીને ત્યાંથી જતો રહ્યો હતો.

વૃદ્ધે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે યુવકે ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વૃદ્ધે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણ વર્ષ બાદ કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધ્યો

આ મામલે ઉમરેઠ પોલીસે વર્ષ 2023માં માત્ર અરજી લઈને તપાસ હાથ ધરી હતી. જોકે, યોગ્ય ન્યાય નહીં મળે તેવી લાગણી થતાં વૃદ્ધે આખરે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યા બાદ ઉમરેઠ પોલીસે વિશાલ ગોવિંદ વાળંદ વિરુદ્ધ છેતરપિંડી સહિતના મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હાલ આ સમગ્ર પ્રકરણમાં રૂ.15 લાખની રકમ કેવી રીતે મેળવવામાં આવી, કોન્ટ્રાક્ટ અપાવવાના નામે આપવામાં આવેલી રસીદ અને ચેકની ખરાઈ સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે.