Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી મતગણતરી માટે ખાસ વ્યવસ્થા, પાર્કિંગ અને રૂટ જાહેર


આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે તા. ૪ મે, ૨૦૨૬ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી યોજાનાર છે. મતગણતરી બી.જે.વી.એમ. કોલેજ ખાતે સવારે શરૂ થશે. આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ માર્ગદર્શન અને ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. 


મતગણતરી દરમિયાન કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાનગર બાજખેડા ચોકડીથી શહીદ ચોક સુધીનો માર્ગ બંધ રહેશે, જ્યારે વૈકલ્પિક રૂટ તરીકે ભાઈકાકા સર્કલથી મોટા બજાર અને ઇસ્કોન મંદિર તરફ વાહનવ્યવહાર ચલાવવામાં આવશે.


પોલીસ દ્વારા અલગ-અલગ વર્ગ માટે પાર્કિંગ અને પ્રવેશ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે:


ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા બી.ઓ.બી. ચોકડી નજીક રાખવામાં આવી છે.


ચૂંટણી સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ માટે ભગીરથ હોટેલ પાસે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.


ઉમેદવારો પોતાના વાહન સાથે બી.ઓ.બી. સર્કલ સુધી આવી શકશે, ત્યારબાદ તેઓએ શાસ્ત્રી મેદાનમાં પાર્કિંગ કરવાનું રહેશે.


ઉમેદવારોના એજન્ટોને શાસ્ત્રી મેદાન ખાતે વાહન પાર્ક કરી સેમકોમ કોલેજ મારફતે પગપાળા મતગણતરી કેન્દ્ર સુધી જવું પડશે.


મીડિયા પ્રતિનિધિઓ માટે પણ અલગ પાર્કિંગ અને પ્રવેશ માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.


ઉમેદવારોના સમર્થકો માટે નાના બજાર અને ચંપલ બજાર વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.


પોલીસ દ્વારા તમામ લોકોને જાહેરનામાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી મતગણતરી પ્રક્રિયા સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

Advertisement