Advertisement

સુરત પાલિકા ચૂંટણીમાં ભાજપના ગઢ અડાજણમાં અનોખો વિરોધ: “ગામનો ઉમેદવાર નહીં તો વોટ પણ નહીં” – સ્થાનિકોની ચીમકી

સુરત પાલિકા ચૂંટણીમાં ભાજપના ગઢ અડાજણમાં અનોખો વિરોધ: “ગામનો ઉમેદવાર નહીં તો વોટ પણ નહીં” – સ્થાનિકોની ચીમકી


સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને ભાજપના ગઢ તરીકે ઓળખાતા અડાજણ વિસ્તારમાં અનોખો વિરોધ સામે આવ્યો છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં અડાજણ વિસ્તારનો કોઈ સ્થાનિક ઉમેદવાર ન હોવાથી ગામલોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ગામનો ઉમેદવાર નહીં હોય તો તેઓ મતદાનથી દૂર રહેશે.


મળતી માહિતી મુજબ, ગઈકાલે ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર થતા શહેરના અનેક વિસ્તારોમાં અસંતોષ જોવા મળ્યો હતો, જેમાં અડાજણ વિસ્તારનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો છે. આજે બપોરે ખોડિયાર માતાના મંદિર પાસે અડાજણ વિસ્તારના કેટલાક લોકો ભેગા થયા હતા અને કોઈ પણ રાજકીય પક્ષે અડાજણનો ઉમેદવાર જાહેર કર્યો નથી તે મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો.


સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અડાજણ વિસ્તાર હંમેશા ભાજપને સમર્થન આપતો આવ્યો છે, તેમ છતાં ભાજપે અહીંના સ્થાનિક કાર્યકરો અને લોકોને અવગણીને બહારના ઉમેદવારને પ્રાધાન્ય આપ્યું છે. જેના કારણે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આજ રાત્રે અડાજણ વિસ્તારમાં મહિલાઓ સહિત 100થી વધુ લોકો એકત્રિત થયા હતા અને ભાજપ સહિત કોંગ્રેસ અને આપ જેવી રાજકીય પાર્ટીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષે ગામનો ઉમેદવાર પસંદ કર્યો નથી, ત્યારે તેઓ પણ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે.


સ્થાનિકોએ “ગામનો ઉમેદવાર નહીં તો વોટ પણ નહીં” જેવી ચીમકી આપતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. હવે આ વિરોધ બાદ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરે છે તે પર સૌની નજર રહેશે.

Advertisement