સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર રખડતાં પશુઓને રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે કાઉ કેચર લગાવવામાં આવ્યા હોવા છતાં એક આખલો એરપોર્ટ પરિસરમાં ઘૂસી ગયો હતો. રવિવારે મોડી રાત્રે આખલો એરપોર્ટ પર બિંદાસ્ત ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે.
એરપોર્ટ પર મુસાફરોની અવરજવર, ટેક્સીઓની હિલચાલ અને વાહનોની ભીડ વચ્ચે આખલો ફરતો હોવાની ઘટના ચિંતાજનક છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે રખડતાં પશુઓની હાજરી મુસાફરોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
2014ની ઘટનાની યાદ ફરી તાજી થઈ
સુરત એરપોર્ટ પર રખડતાં પશુઓનો પ્રવેશ થવાની સમસ્યા અગાઉ પણ સામે આવી ચૂકી છે. વર્ષ 2014માં ટેક-ઓફ દરમિયાન એક વિમાન સાથે ભેંસ અથડાઈ હતી. આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને દેશભરમાં ચર્ચા થઈ હતી. ત્યારબાદ સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસોની વાત કરવામાં આવી હતી. જોકે, તાજેતરની ઘટના બાદ પશુઓને એરપોર્ટ પરિસરમાં પ્રવેશતા રોકવાની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે ફરી સવાલો ઊભા થયા છે.
ચાર મહિનામાં બીજી વખત રખડતાં પશુનો વીડિયો
આ પહેલી ઘટના નથી. ગત 26 જુલાઈએ પણ સુરત એરપોર્ટ પરિસરમાં ગાય દોડતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. હવે ફરી એકવાર આખલો એરપોર્ટમાં ફરતો જોવા મળતાં પશુઓના પ્રવેશને રોકવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. વારંવાર બનતી આવી ઘટનાઓ એરપોર્ટની આંતરિક સુરક્ષા અને પ્રવેશ નિયંત્રણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂરિયાત દર્શાવે છે.
મુસાફરો અને વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ
એરપોર્ટના પિકઅપ અને ડ્રોપ ઝોનમાં રાત્રિના સમયે પણ મુસાફરો, ટેક્સી અને ખાનગી વાહનોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં જો આખલો અચાનક દોડવા લાગે અથવા વાહનો તરફ ધસી આવે તો અકસ્માત સર્જાઈ શકે છે. મુસાફરોને ઈજા થવાની સાથે વાહનોને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે.
કાઉ કેચરની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની જરૂર
મુખ્ય ગેટ પર કાઉ કેચર લગાવ્યા હોવા છતાં આખલો અંદર કેવી રીતે પ્રવેશ્યો તે તપાસનો વિષય બન્યો છે. ગેટ પર સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં આવી ઘટના બનવી તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા કરે છે. વીડિયો વાયરલ થયા બાદ એરપોર્ટ પ્રશાસન દ્વારા કાઉ કેચરની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અપગ્રેડ કરવાની વાત કરવામાં આવી રહી છે.
હવે સવાલ એ છે કે માત્ર કાઉ કેચર લગાવવાથી સુરક્ષા સુનિશ્ચિત થશે કે પછી એરપોર્ટની સમગ્ર પરિઘ સુરક્ષા, પ્રવેશદ્વારો અને રાત્રિના પેટ્રોલિંગની વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવશે? મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.