ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)માં ફરજ બજાવતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનમાં બમણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી અત્યાર સુધી કલાકના રૂ.90 મેળવતા ઇન્સ્ટ્રક્ટરોને હવે કલાકના રૂ.180 ચૂકવવામાં આવશે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ કલાકદીઠ વેતનની સાથે દૈનિક અને માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઇન્સ્ટ્રક્ટરોને એક દિવસના મહત્તમ રૂ.540 મળતા હતા, જે હવે વધારીને રૂ.1,080 કરવામાં આવ્યા છે. જ્યારે માસિક મહત્તમ માનદ વેતન રૂ.14,040થી વધારીને રૂ.28,080 નક્કી કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વેતન દરો ઠરાવની તારીખથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ITIમાં વિવિધ વ્યવસાયલક્ષી ટ્રેડમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોની નિમણૂક કરવામાં આવે છે. આ ઇન્સ્ટ્રક્ટરો વિદ્યાર્થીઓને ટેક્નિકલ જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ તાલીમ પણ આપે છે, જેથી તેઓ ભવિષ્યમાં ઉદ્યોગો અને રોજગાર ક્ષેત્રની જરૂરિયાતો પ્રમાણે તૈયાર થઈ શકે.
લાંબા સમયથી મર્યાદિત માનદ વેતનને કારણે અનુભવી ઇન્સ્ટ્રક્ટરોને આ વ્યવસ્થા સાથે જોડવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારે સરકારના આ નિર્ણયથી ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક રાહત મળવાની સાથે ITIમાં તાલીમની ગુણવત્તા સુધારવામાં પણ મદદ મળશે તેવી અપેક્ષા છે.
સરકારના આ પગલાને રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.