બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન અને સોશિયલ મીડિયા ક્રિએટર સુવિજ્ઞ શર્મા વચ્ચે કાનૂની વિવાદની ચર્ચા શરૂ થઈ છે. સુવિજ્ઞ શર્માએ દાવો કર્યો છે કે શાહરુખ ખાન તરફથી તેમને માનહાનિની કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, અનંત અંબાણી અને શાહરુખ ખાન વચ્ચેની કથિત વાતચીતના વાયરલ વીડિયો અંગે બનાવેલી ઇન્સ્ટાગ્રામ રીલને લઈને આ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં 48 કલાકની અંદર પાંચ માગણીઓ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
જોકે, આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શાહરુખ ખાનના અધિકૃત વકીલ હોવાનો દાવો કરતી કાનૂની ફર્મ હિરાની એન્ડ એસોસિએટ્સે શર્માની પોસ્ટ પર ટિપ્પણી કરી. ફર્મે આ નોટિસને ખોટી અને ભ્રામક ગણાવીને સ્પષ્ટતા કરી કે શાહરુખ ખાને આવી કોઈ નોટિસ મોકલવા માટે તેમને કે અન્ય કોઈ કાનૂની ફર્મને સૂચના આપી નથી.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆત સુવિજ્ઞ શર્માની એક ઇન્સ્ટાગ્રામ રીલથી થઈ હતી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ram.bhakt.suvi પર એક વીડિયો શેર કર્યો હતો. આ રીલમાં ઉદ્યોગપતિ અનંત અંબાણી અને આધ્યાત્મિક ગુરુ સદગુરુની મુલાકાત સાથે જોડાયેલા દૃશ્યો દર્શાવવામાં આવ્યા હતા.
શર્માએ રીલમાં દાવો કર્યો હતો કે આ દરમિયાન અનંત અંબાણીએ શાહરુખ ખાનને ચૂપ રહેવા માટે કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી.
ત્યારબાદ સુવિજ્ઞ શર્માએ વધુ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે આ રીલને કારણે તેમને શાહરુખ ખાન તરફથી માનહાનિની કાનૂની નોટિસ મળી છે. તેમના જણાવ્યા અનુસાર, નોટિસમાં રીલને ભ્રામક અને અભિનેતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી ગણાવવામાં આવી છે.
48 કલાકમાં પાંચ માગણીઓ પૂરી કરવાનો દાવો
સુવિજ્ઞ શર્માના જણાવ્યા અનુસાર, તેમને મળેલી કથિત કાનૂની નોટિસમાં 48 કલાકની અંદર પાંચ માગણીઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
વિવાદિત ઇન્સ્ટાગ્રામ રીલ તાત્કાલિક દૂર કરવી.
આ દાવાને આગળ શેર કે પ્રચારિત કરવાનું બંધ કરવું.
વીડિયો સાથે જોડાયેલા કૅપ્શન અને નિવેદનો દૂર કરવા અથવા તેમાં સુધારો કરવો.
મૂળ વીડિયો અને તેની સાથે જોડાયેલા તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા.
નોટિસમાં જણાવેલી તમામ માગણીઓ પૂર્ણ કરવામાં આવી હોવાની લેખિત પુષ્ટિ આપવી.
શર્માનો દાવો છે કે આ માગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેમની સામે દીવાની અને ફોજદારી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
નોટિસ મળ્યાના દાવા બાદ શર્માએ શાહરુખ ખાન સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પોતાની પ્રતિક્રિયામાં પૂછ્યું હતું કે જો અનંત અંબાણીએ કથિત રીતે શાહરુખને ચૂપ રહેવા કહ્યું હોય તો શું તે તેમનું અપમાન નહોતું? હવે આ મુદ્દે રીલ બનાવનાર વ્યક્તિ સામે માનહાનિનો આરોપ કેમ લગાવવામાં આવી રહ્યો છે?
હિરાની એન્ડ એસોસિએટ્સે નોટિસને ગણાવી ખોટી અને ભ્રામક
આ વિવાદમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે હિરાની એન્ડ એસોસિએટ્સ નામની વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ દ્વારા સુવિજ્ઞ શર્માની પોસ્ટ પર કમેન્ટ કરવામાં આવી.
ફર્મે પોતાની ટિપ્પણીમાં જણાવ્યું કે શાહરુખ ખાનના અધિકૃત વકીલ તરીકે તેઓ સ્પષ્ટ કરવા માગે છે કે અભિનેતાએ આ એકાઉન્ટને કોઈ નોટિસ મોકલવા માટે તેમને કે અન્ય કોઈ વકીલ અથવા કાનૂની ફર્મને સૂચના આપી નથી.
ફર્મે વધુમાં લખ્યું કે પોસ્ટમાં દર્શાવવામાં આવેલી નોટિસ ખોટી અને ભ્રામક છે તથા શાહરુખ ખાન તરફથી કે તેમના વતી જારી કરવામાં આવી નથી.
આ સ્પષ્ટતા બાદ સમગ્ર મામલે નવા સવાલો ઊભા થયા છે. એક તરફ સુવિજ્ઞ શર્મા નોટિસ મળ્યાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ શાહરુખ ખાનના અધિકૃત વકીલ હોવાનો દાવો કરતી ફર્મ આ નોટિસ સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કરી રહી છે.
BNSની કલમ 356માં માનહાનિ માટે શું સજા છે?
આ સમગ્ર વિવાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 356નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમ માનહાનિ એટલે કે Defamation સાથે સંબંધિત છે.
આ જોગવાઈ હેઠળ કોઈ વ્યક્તિ વિશે બોલાયેલા શબ્દો, લખાણ, સંકેતો અથવા તસવીરો દ્વારા તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો ઇરાદો હોય અથવા આવું નુકસાન થઈ શકે તેવી જાણકારી હોય તો તે માનહાનિનો ગુનો બની શકે છે.
આ કલમ હેઠળ દોષિત ઠરનાર વ્યક્તિને વધુમાં વધુ બે વર્ષની સામાન્ય કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. આ ઉપરાંત સામુદાયિક સેવાની સજાની પણ જોગવાઈ છે. જોકે, કાયદામાં માનહાનિના કેટલાક અપવાદો પણ આપવામાં આવ્યા છે.
હાલમાં આ સમગ્ર મામલે એક તરફ સોશિયલ મીડિયા ક્રિએટર દ્વારા કાનૂની નોટિસ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સંબંધિત કાનૂની ફર્મે નોટિસને નકલી ગણાવી છે. શાહરુખ ખાન તરફથી આ મામલે સત્તાવાર નિવેદન સામે આવ્યું હોવાની પુષ્ટિ નથી.