IBMનો મોટો નિર્ણય: અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરશે, હજારો ભારતીય કર્મચારીઓ પર સંકટ

IBMનો મોટો નિર્ણય: અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરશે, હજારો ભારતીય કર્મચારીઓ પર સંકટ

અમેરિકાની જાણીતી ટેક કંપની IBMએ પોતાના કન્સલ્ટિંગ ડિવિઝનમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કંપની હવે અમેરિકામાં કન્સલ્ટિંગ વિભાગનાં મોટાભાગનાં પદો માટે H-1B વર્ક વિઝા અને ગ્રીન કાર્ડનું સ્પોન્સરશિપ નહીં કરે. આ નિર્ણયની અસર અમેરિકામાં કામ કરતા હજારો વિદેશી પ્રોફેશનલ્સ પર પડી શકે છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય કર્મચારીઓ પણ સામેલ છે.

IBMના કન્સલ્ટિંગ ડિવિઝનમાં વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કંપનીએ આ નિર્ણયથી કુલ કેટલા કર્મચારીઓ પ્રભાવિત થશે તેની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર સમગ્ર IBM માટે નહીં, પરંતુ માત્ર અમેરિકામાં IBM કન્સલ્ટિંગનાં મોટાભાગનાં પદો માટે લાગુ પડશે.

કર્મચારીઓ સામે બે વિકલ્પ: અમેરિકા છોડો અથવા નોકરી છોડો

કંપનીએ આ નિર્ણયથી અસરગ્રસ્ત કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે. કર્મચારીઓ અમેરિકા છોડીને અન્ય દેશમાં સ્થળાંતર કરી શકે છે અને ત્યાંથી IBM માટે કામ ચાલુ રાખી શકે છે અથવા પોતાની નોકરી છોડી શકે છે.

જોકે, કંપનીએ કર્મચારીઓને તાત્કાલિક નોકરીમાંથી દૂર કરવાને બદલે ટ્રાન્ઝિશન માટે 31 ડિસેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કર્મચારીઓએ પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો રહેશે.

H-1B વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ શું છે?

અમેરિકામાં કોઈ વિદેશી કર્મચારીને નોકરી આપવા માટે કંપની દ્વારા H-1B વર્ક વિઝાની પ્રક્રિયામાં મદદ કરવામાં આવે છે, જેને વિઝા સ્પોન્સરશિપ કહેવામાં આવે છે. આ વિઝાના આધારે લાયક વિદેશી પ્રોફેશનલ્સ અમેરિકામાં કામ કરી શકે છે.

બીજી તરફ, ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ દ્વારા કંપની કર્મચારી માટે અમેરિકામાં કાયમી વસવાટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ કરે છે. IBMના નવા નિર્ણયને કારણે કંપનીના કન્સલ્ટિંગ ડિવિઝનમાં કામ કરતા અનેક વિદેશી કર્મચારીઓ માટે અમેરિકામાં લાંબા સમય સુધી રહેવાની યોજના મુશ્કેલ બની શકે છે.

બિઝનેસની જરૂરિયાતોમાં ફેરફારને કારણે નિર્ણય

IBMના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં બિઝનેસ અને ક્લાયન્ટ્સની જરૂરિયાતોમાં મોટો બદલાવ આવ્યો છે. અગાઉ કુશળ કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે કંપની વિદેશી પ્રતિભાઓને અમેરિકામાં લાવવા માટે વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કરતી હતી. જોકે, હવે કુશળ કર્મચારીઓની ઉપલબ્ધતા અને ક્લાયન્ટ્સની માંગમાં ફેરફાર થયો હોવાથી વિઝા સ્પોન્સરશિપની જરૂરિયાત ઘટી છે.

આ ઉપરાંત, IBMનો કન્સલ્ટિંગ બિઝનેસ પણ વૃદ્ધિ જાળવી રાખવામાં પડકારોનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2024થી આ ડિવિઝનનું પ્રદર્શન લગભગ સ્થિર રહ્યું છે. બીજી તરફ, કંપની સોફ્ટવેર આધારિત બિઝનેસ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે IBMએ Red Hat, HashiCorp અને Confluent જેવી કંપનીઓનું અધિગ્રહણ પણ કર્યું છે.

અસરગ્રસ્ત કર્મચારીઓ માટે ભારત બની શકે છે મોટો વિકલ્પ

IBMના આ નિર્ણય બાદ અમેરિકામાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે ભારત પરત આવવું એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે. 'રેસ્ટ ઑફ વર્લ્ડ'ના અહેવાલ અનુસાર, 19 નવેમ્બરના રોજ IBMના કરિયર પોર્ટલ પર અમેરિકાની બહાર કન્સલ્ટિંગ વિભાગમાં કુલ 1,278 જગ્યાઓ ખાલી હતી.

તેમાંથી સૌથી વધુ 1,125 જગ્યાઓ ભારતમાં હતી. જ્યારે સિંગાપોરમાં 23 અને બ્રિટનમાં 18 જગ્યાઓ ખાલી હતી. આ જ સમયગાળા દરમિયાન અમેરિકામાં કન્સલ્ટિંગ વિભાગની 89 જગ્યાઓ ઉપલબ્ધ હતી.

આ આંકડાઓને જોતા ભારત IBMના એવા કર્મચારીઓ માટે મોટું કેન્દ્ર બની શકે છે, જેઓ અમેરિકાથી સ્થળાંતર કરીને કંપનીમાં જ કામ ચાલુ રાખવા માગે છે.

બીજા દેશમાં સ્થળાંતર કરવાથી પગાર અને પરિવાર પર અસર થઈ શકે

જોકે, વિદેશમાં નોકરીની જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને તેમની વર્તમાન નોકરી જેવી જ જવાબદારી અથવા પગાર મળશે તેની કોઈ ખાતરી નથી. IBMએ કેટલા કર્મચારીઓને અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાની તક મળશે તે અંગે પણ સ્પષ્ટતા કરી નથી.

વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે અચાનક બીજા દેશમાં સ્થળાંતર કરવું સરળ નહીં હોય. તેમની આવક, જીવનશૈલી, બાળકોનું શિક્ષણ અને પરિવારની જવાબદારીઓ પર પણ તેની અસર પડી શકે છે.

અમેરિકાના કડક વિઝા નિયમો વચ્ચે IBMનો નિર્ણય

અમેરિકામાં H-1B વિઝા સંબંધિત નિયમોમાં થઈ રહેલા ફેરફારો વચ્ચે IBMનો આ નિર્ણય સામે આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવવાની દિશામાં પગલાં લીધાં છે. તેમાં કેટલીક નવી H-1B અરજીઓ માટે 1 લાખ ડોલરની પ્રસ્તાવિત ફી અને વધુ પગારવાળી નોકરીઓને પ્રાથમિકતા આપવા જેવા ફેરફારોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, માઇક્રોસોફ્ટ, એડોબી, કોગ્નિઝન્ટ, ઇન્ફોસિસ અને TCS જેવી કંપનીઓને પણ અમેરિકાના પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) કાર્યક્રમ સંબંધિત પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

IBMના આ નિર્ણયથી અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા કર્મચારીઓએ હવે પોતાની નોકરી અને અમેરિકામાં રહેવા અંગે નવા વિકલ્પો વિચારવા પડશે.