અક્ષય કુમારનો ખુલાસો: 8 કલાકથી વધુ કામ ન કરવાના નિયમને કારણે મોટા ફિલ્મમેકર્સ નથી આપતા કામ, પત્ની ટ્વિંકલે શોમાં જ કરી મજાક

અક્ષય કુમારનો ખુલાસો: 8 કલાકથી વધુ કામ ન કરવાના નિયમને કારણે મોટા ફિલ્મમેકર્સ નથી આપતા કામ, પત્ની ટ્વિંકલે શોમાં જ કરી મજાક

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કરણ જોહરના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ'ની અંતિમ સિઝનમાં અક્ષય કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની પોતાની પદ્ધતિ અને પડકારો અંગે ખુલાસો કર્યો હતો. અક્ષયે જણાવ્યું કે તે દિવસમાં માત્ર 8 કલાક જ કામ કરે છે અને આ નિયમના કારણે ઇન્ડસ્ટ્રીના કેટલાક મોટા ફિલ્મમેકર્સ તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માગતા નથી. આ શોમાં અક્ષયની સાથે અભિનેતા અને સાંસદ રવિ કિશન પણ મહેમાન તરીકે પહોંચ્યા હતા.

'ઘણા મોટા લોકો મને ફિલ્મોમાં લેવા માગતા નથી'

શોમાં કરણ જોહરે અક્ષય કુમારનાં વખાણ કરતાં કહ્યું કે તે નવા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને પણ તક આપે છે અને તેમની સાથે કામ કરવા તૈયાર રહે છે. તેના જવાબમાં અક્ષયે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા લોકો તેને કાસ્ટ કરવા માગતા નથી.

અક્ષયે પોતાના કામના સમય વિશે વાત કરતાં જણાવ્યું કે તે માત્ર 8 કલાક કામ કરે છે. જોકે, આ 8 કલાક દરમિયાન તે પોતાની વેનિટી વેનમાં પણ જતો નથી. અક્ષયના મતે, દર્શકો તેને ફિલ્મોમાં હંમેશાં ફિટ, સુંદર અને જોશથી ભરેલો જોવા માગે છે. થાકેલો કલાકાર પડદા પર દેખાય તે તેને પસંદ નથી.

તેથી તે 8 કલાક કામ કરે છે, 8 કલાક ઊંઘે છે અને બાકીનો સમય પરિવાર, ભોજન તથા પોતાની ફિટનેસ પાછળ ખર્ચે છે.

દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માગને કરણ જોહરનું સમર્થન

અક્ષયે ફિલ્મોના શૂટિંગના સમય અને કામ કરવાની પદ્ધતિ અંગે પણ પોતાની વાત રજૂ કરી હતી. તેણે જણાવ્યું કે કેટલાક લોકો તેને પૂછે છે કે તે માત્ર 60થી 65 દિવસમાં ફિલ્મનું શૂટિંગ કેવી રીતે પૂરું કરી લે છે.

આ અંગે અક્ષયે હોલિવૂડના ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન અને અભિનેતા ટોમ ક્રૂઝનાં ઉદાહરણ આપ્યાં હતાં. તેણે કહ્યું કે ટોમ ક્રૂઝે ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ'નું શૂટિંગ આશરે 55 દિવસમાં પૂર્ણ કર્યું હતું. અક્ષયે સવાલ ઉઠાવ્યો કે જો કલાકાર સમયસર કામ પૂરું કરી શકે તો તેને વધુ ફિલ્મો કરવાની બાબતે સવાલ કેમ પૂછવામાં આવે છે?

આ દરમિયાન કરણ જોહરે પણ અક્ષયની વાતનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું કે અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ 8 કલાકની શિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો પુરુષ કલાકારોને 8 કલાક કામ કરવાની છૂટ મળી શકે છે, તો મહિલા કલાકારોને પણ સમાન સુવિધા મળવી જોઈએ.

નોંધનીય છે કે ફિલ્મ 'સ્પિરિટ'ને લઈને દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માગ અંગે અગાઉ વિવાદ સામે આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ મુદ્દાને કારણે ફિલ્મમાં તેની કાસ્ટિંગ બદલાઈ હતી.

ટ્વિંકલ ખન્નાએ ફોન પર જ અક્ષયની મજાક ઉડાવી

શોમાં અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સાથેનો એક મજેદાર પ્રસંગ પણ જોવા મળ્યો હતો. એક સેગમેન્ટ દરમિયાન અક્ષયે ટ્વિંકલને ફોન કર્યો હતો અને ફોન સ્પીકર પર રાખ્યો હતો. જોકે, ટ્વિંકલને ખ્યાલ નહોતો કે તેનો અવાજ શોના સેટ પર બધા સાંભળી રહ્યા છે.

ફોન ઉપાડતાં જ ટ્વિંકલે અક્ષયને સવારે વહેલા ઉઠાડવા બદલ ફરિયાદ કરી હતી. તેણે મજાકમાં કહ્યું કે આખી રાત ઊંઘ બરાબર થઈ નહોતી અને સવારે 6 વાગ્યે અક્ષયે ભજન વગાડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, તે એટલા જોરથી ગાઈ રહ્યો હતો જાણે અનુપ જલોટા હોય.

ટ્વિંકલે અક્ષયને બાથરૂમનો દરવાજો બરાબર બંધ રાખવાની સલાહ પણ આપી હતી. આ વાત સાંભળીને શોના સેટ પર હાજર કરણ જોહર અને રવિ કિશન સહિતના લોકો હસી પડ્યા હતા.

અક્ષય મફતમાં શોમાં આવ્યો હોવાની વાત સાંભળીને ટ્વિંકલ ચોંકી

ફોન પર વાતચીત દરમિયાન ટ્વિંકલે અક્ષયને પૂછ્યું કે તે અત્યારે ક્યાં છે. અક્ષયે જવાબ આપ્યો કે તે કરણ જોહરના 'કોફી વિથ કરણ' શોના સેટ પર છે.

આ સાંભળીને ટ્વિંકલે જણાવ્યું કે થોડા સમય પહેલાં જ તેની કરણ જોહર સાથે વાત થઈ હતી અને કરણે તેને શોના રેપિડ ફાયર રાઉન્ડને જજ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

જોકે, જ્યારે ટ્વિંકલને ખબર પડી કે અક્ષય આ શોમાં કોઈ ફી લીધા વગર આવ્યો છે, ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે મજાકમાં કહ્યું કે અક્ષય મફતમાં શો કરી રહ્યો છે તે જાણીને તેને નવાઈ લાગી રહી છે. આ દરમિયાન કરણ જોહરે પણ હળવી મજાક કરતાં અક્ષયને પૂછ્યું કે શું તેને દરેક કામ માટે પૈસા જ જોઈએ છે.

આમ, 'કોફી વિથ કરણ'ના આ એપિસોડમાં અક્ષય કુમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્કિંગ કલ્ચર અંગે પોતાની વાત રજૂ કરી હતી, જ્યારે ટ્વિંકલ ખન્ના સાથેની તેની મજેદાર વાતચીતે શોમાં હાસ્યનો માહોલ ઊભો કર્યો હતો. અક્ષય કુમાર અને રવિ કિશનની જોડીએ પણ દર્શકોનું મનોરંજન કર્યું હતું.