Advertisement

સાબરકાંઠામાં નવજાત બાળકની તસ્કરી, ₹2 લાખમાં વેચાણનો પર્દાફાશ

સાબરકાંઠામાં નવજાત બાળકની તસ્કરી, ₹2 લાખમાં વેચાણનો પર્દાફાશ

સાબરકાંઠાઃ જિલ્લામાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખેડબ્રહ્મા વિસ્તારમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ આ સમગ્ર મામલે આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


માહિતી મુજબ, AHTUને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. ખેડબ્રહ્માના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ડાભી નવજાત બાળકોની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાની માહિતી મળતા પોલીસે છટકું ગોઠવી તેને મટોડા ગામ પાસે ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આશરે 15 દિવસ પહેલાં મેડી ગામના પરિવારના નવજાત બાળકને અમદાવાદના વ્યક્તિને બે લાખ રૂપિયામાં વેચી દીધો હતો.


આ ખુલાસા બાદ પોલીસે તપાસનો દોર અમદાવાદ અને રાજસ્થાન સુધી લંબાવ્યો હતો. તપાસ દરમિયાન સાબરકાંઠા, અમદાવાદ અને ઉદેપુર (રાજસ્થાન) સાથે સંકળાયેલા કુલ પાંચ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


હાલમાં પોલીસે બાળકની તસ્કરી પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે અને માનવ તસ્કરીના ગંભીર મુદ્દા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

Advertisement