આજના સમયમાં પતિ અને પત્ની બંને નોકરી કરીને પરિવારની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ઘણી વખત કારકિર્દીમાં પત્ની પતિ કરતાં વધુ સફળતા મેળવે છે, વધુ પગાર મેળવે છે અથવા ઊંચા હોદ્દા પર પહોંચે છે. આવી સ્થિતિમાં કેટલાક પતિઓને પત્નીની સફળતા પર ગર્વ હોવા છતાં મનમાં ઈર્ષ્યા અને અસુરક્ષાની લાગણી અનુભવાય છે. પરિવાર કે મિત્રો જ્યારે પત્નીની પ્રશંસા કરે છે ત્યારે પોતાની સરખામણી તેની સાથે થવા લાગે છે અને પોતે પાછળ રહી ગયા હોવાની લાગણી ઊભી થાય છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ લાગણી પાછળ અનેક સામાજિક અને વ્યક્તિગત કારણો જવાબદાર હોઈ શકે છે. પરંપરાગત રીતે સમાજમાં પુરુષને પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય માનવામાં આવ્યો છે. પતિએ પત્ની કરતાં વધુ કમાવું જોઈએ અથવા પરિવારમાં તેની સામાજિક સ્થિતિ ઊંચી હોવી જોઈએ તેવી માન્યતાઓ કેટલાક પુરુષોના મનમાં ઊંડે સુધી ઘર કરી ગઈ હોય છે. પરિણામે પત્નીની પ્રગતિ તેમને પોતાની પરંપરાગત ભૂમિકા માટે પડકાર સમાન લાગવા માંડે છે.
આ ઉપરાંત કેટલાક લોકો પોતાની ઓળખ અને મહત્તાને પગાર, હોદ્દો, સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડીને જુએ છે. જ્યારે જીવનસાથી આ ક્ષેત્રોમાં આગળ વધે છે ત્યારે તેની સફળતાને પોતાની નિષ્ફળતા તરીકે જોવાની માનસિકતા ઊભી થઈ શકે છે. જોકે વાસ્તવિકતા એ છે કે જીવનસાથીની સફળતાથી પોતાની ક્ષમતા, ઓળખ કે મહત્તામાં કોઈ ઘટાડો થતો નથી.
આવી પરિસ્થિતિમાં સૌથી પહેલાં પોતાની લાગણીઓને ઓળખવી જરૂરી છે. પત્નીની સફળતાથી ઈર્ષ્યા થતી હોય તો તેને દબાવવાને બદલે તેની પાછળનાં કારણો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પોતાની કમાણી અને કારકિર્દીની સરખામણી જીવનસાથી સાથે કરવાને બદલે વ્યક્તિગત ક્ષમતાઓ અને જીવનમાં આપેલા યોગદાનને પણ મહત્ત્વ આપવું જોઈએ.
પત્ની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી પણ એટલી જ જરૂરી છે. વાતચીત દરમિયાન તેની સિદ્ધિઓને સ્વીકારીને પોતાની અસુરક્ષાની લાગણીઓ વિશે શાંતિથી વાત કરી શકાય છે. આ લાગણીઓ માટે પત્નીને જવાબદાર ઠેરવવાને બદલે પોતાની વિચારસરણીમાં રહેલી ખામીઓને સમજવી જોઈએ. સાથે જ પત્નીને એવો વિશ્વાસ આપવો જરૂરી છે કે તેની સફળતા અને મહત્વાકાંક્ષાઓને કારણે સંબંધમાં કોઈ નકારાત્મકતા આવવા દેવામાં નહીં આવે.
આ માનસિકતામાં પરિવર્તન લાવવા માટે કૉગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) પણ ઉપયોગી બની શકે છે. આ પદ્ધતિમાં વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ અને વર્તન વચ્ચેના સંબંધને સમજે છે. ઉદાહરણ તરીકે, જ્યારે પરિવારના સભ્યો પત્નીના પ્રમોશન કે વધુ પગારની પ્રશંસા કરે ત્યારે પોતાને ઓછા સફળ માનવાને બદલે એ વિચારવું જોઈએ કે દરેક વ્યક્તિની સફળતાનો માર્ગ અલગ હોય છે. માત્ર કમાણીના આધારે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકાય નહીં.
આ માટે ચાર અઠવાડિયાની સ્વ-સહાય પ્રક્રિયા અપનાવી શકાય છે. પ્રથમ અઠવાડિયામાં ઈર્ષ્યા કઈ પરિસ્થિતિમાં થાય છે અને તેની પાછળ કયા વિચારો જવાબદાર છે તે લખીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજા અઠવાડિયામાં પુરુષે પત્ની કરતાં વધુ કમાવું જોઈએ જેવી જૂની સામાજિક માન્યતાઓનું આત્મવિશ્લેષણ કરવું જોઈએ. ત્રીજા અઠવાડિયામાં પોતાની ઓળખને પગાર અને હોદ્દાથી અલગ કરીને વ્યક્તિત્વ, પ્રામાણિકતા, જવાબદારી અને સંબંધોમાં આપેલા યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચોથા અઠવાડિયામાં પત્નીની સફળતાને ખુલ્લા મનથી સ્વીકારવી, તેની સિદ્ધિઓની પ્રશંસા કરવી અને ઘર તથા નાણાકીય નિર્ણયો લેવામાં સમાન ભાગીદારી વધારવી જોઈએ.
જો આ લાગણીઓ સતત માનસિક તણાવ, બેચેની, ઉદાસીનતા, ઊંઘની સમસ્યા અથવા પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાનું કારણ બનતી હોય તો મનોવૈજ્ઞાનિકની મદદ લેવી યોગ્ય છે. સમયસર માર્ગદર્શન અને આત્મવિશ્લેષણથી આવી અસુરક્ષાની લાગણીમાં ઘટાડો લાવી શકાય છે.
અંતે સમજવાની બાબત એ છે કે લગ્નજીવન કોઈ સ્પર્ધા નથી. પત્ની વધુ કમાતી હોય કે પતિ વધુ સફળ હોય, તેનાથી સંબંધની મજબૂતી નક્કી થતી નથી. એકબીજાની પ્રગતિને સ્વીકારવી, પરસ્પર સન્માન જાળવવું અને જીવનના દરેક તબક્કે એકબીજાને પ્રોત્સાહન આપવું એ જ સ્વસ્થ અને સુખી દાંપત્યજીવનનો સાચો આધાર છે.