ગાંધીનગરમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી (TAT-HS)ના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના પરિણામમાં મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન ગંભીર ભૂલો થઈ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારોએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોએ પરિણામનું નિષ્પક્ષ અને પારદર્શક રીતે પુનઃમૂલ્યાંકન કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક ઉમેદવારોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ વાહનોમાં બેસાડીને સ્થળ પરથી લઈ જવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ઉમેદવારોનો આક્ષેપ છે કે તેમણે પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત મહેનત કરી હોવા છતાં પરિણામમાં અપેક્ષા કરતાં અત્યંત ઓછા ગુણ આપવામાં આવ્યા છે. તેમના મતે મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ હોવાની આશંકા છે. આ મુદ્દે ઉમેદવારો પોતાની રજૂઆત સરકાર અને રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી પહોંચાડવા માંગે છે. સાથે જ સ્થાનિક ધારાસભ્યને પણ રૂબરૂ મળીને સમગ્ર મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી.
આંદોલનમાં જોડાયેલા ઉમેદવાર શીતલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમેદવારોએ ખૂબ જ મહેનત કરીને પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામ જાહેર થતાં અપેક્ષા કરતાં ઘણા ઓછા ગુણ મળ્યા છે. મૂલ્યાંકન પ્રક્રિયામાં ભૂલ થઈ હોવાની તેમને શંકા છે. ગઈકાલે જાહેર રજા હોવાથી આજે તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ રજૂઆત કરવા જવાના હતા. જોકે, શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરવા આવેલા ઉમેદવારોની વાત સાંભળવાને બદલે તેમની અટકાયત કરવામાં આવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
હાલ ઉમેદવારોની મુખ્ય માંગ સમગ્ર પરિણામની પારદર્શક તપાસ અને નિષ્પક્ષ પુનઃમૂલ્યાંકનની છે. ઉમેદવારોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.