મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભારતીય ક્રિકેટરોની ભક્તિ જોવા મળી હતી. બુધવારે વહેલી સવારે ક્રિકેટર નીતિશ રાણા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ તેવટિયા, સુમિત કુમાર અને અમિત કુમારે બાબા મહાકાલનાં દર્શન કર્યા હતા. તમામ ખેલાડીઓએ પરંપરાગત ભસ્મ આરતીમાં સામેલ થઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા.
મળતી માહિતી મુજબ, તમામ ક્રિકેટરો સવારે આશરે ચાર વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ નંદી હોલમાં બેસીને લગભગ બે કલાક સુધી ભસ્મ આરતીમાં જોડાયા હતા. આ દરમિયાન ખેલાડીઓ સંપૂર્ણપણે ભક્તિભાવમાં લીન જોવા મળ્યા હતા. તેમણે હાથ જોડીને બાબા મહાકાલને નમન કર્યું હતું અને મંત્રજાપ સાથે આરતીનાં દર્શન કર્યા હતા. આરતી પૂર્ણ થયા બાદ ખેલાડીઓએ ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન પૂજારીઓ દ્વારા ભગવાનને જળ પણ અર્પણ કરવામાં આવ્યું હતું.
મંદિર સમિતિએ ક્રિકેટરોનું કર્યું સન્માન
બાબા મહાકાલનાં દર્શન કરવા આવેલા તમામ ક્રિકેટરોનું મંદિર સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દર્શન બાદ નીતિશ રાણાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ અનેક વખત બાબા મહાકાલના દરબારમાં દર્શન કરવા આવી ચૂક્યા છે. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી કે પરેશાની આવે છે ત્યારે તેઓ ભગવાનના દરબારમાં આવીને આશીર્વાદ મેળવે છે.
ક્રિકેટરોની આ ધાર્મિક મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ પણ બાબા મહાકાલ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.