આણંદ, સોમવાર:: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા નો સેનિટેશન વિભાગ કામગીરી કરી રહ્યો છે. કમિશનર શ્રી એ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો સામે દંડનાત્મક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસ દરમિયાન વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસણી કરતા
જાહેરમાં ગંદકી કરતા 157 એકમો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂપિયા 75,800 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા 24 એકમો સામે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા 1,07,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, આમ, ફેબ્રુઆરી માસ દરમિયાન આકસ્મિક તપાસણી દરમિયાન 181 એકમો સામે મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરીને કુલ રૂપિયા 1,83,300 /- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ એકમોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે મનપા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં યોગદાન આપે. જાહેરમાં ગંદકી ન કરે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.