કેન્દ્ર સરકારની સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ‘ડાર્ક પેટર્ન’નો ઉપયોગ કરવા બદલ ઝેપ્ટો, બુક માય શો, ઈન્ડિગો, ફિઝિક્સવાલા, ફર્સ્ટક્રાય, ફાર્મઈઝી, સ્પાઈસજેટ સહિત કુલ 9 એપ્સ સામે કાર્યવાહી કરી છે. આ કંપનીઓ પર ₹1 લાખથી લઈને ₹10 લાખ સુધીના દંડ ફટકારવામાં આવ્યા છે, જેમાં ઝેપ્ટોને ₹7 લાખ અને ફિઝિક્સવાલાને ₹5 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
CCPAના જણાવ્યા મુજબ આ એપ્સ ગ્રાહકોને શરૂઆતમાં ઓછી કિંમત દર્શાવતી હતી, પરંતુ પેમેન્ટ સમયે મેમ્બરશિપ, હેન્ડલિંગ ચાર્જ, ચેરિટી અથવા અન્ય નામે વધારાની રકમ આપમેળે ઉમેરી વસૂલતી હતી. ગ્રાહકોને અગાઉથી તેની સ્પષ્ટ જાણ ન કરવામાં આવતી હોવાથી આ પ્રથાને ‘ડાર્ક પેટર્ન’ અને ‘બાસ્કેટ સ્નીચિંગ’ ગણાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.