જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે એક જ દિવસમાં ચાર અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં 25 પુરુષ અને 5 મહિલાઓ સહિત કુલ 30 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹97,020ની રોકડ, 156 ગંજીપત્તાના પાના અને ઘોડીપાસાના બે પાસા જપ્ત કરી તમામ સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જામજોધપુર, હાપા, ચાર ચોક અને વિભાપર ગામ સહિતના વિસ્તારોમાં પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ-અલગ પોલીસ ટીમોએ જાહેરમાં ચાલતા તીનપત્તી અને ઘોડીપાસાના જુગારનો પર્દાફાશ કરી આરોપીઓની અટકાયત કરી હતી. કેટલાક આરોપીઓને BNSS કલમ 35(3) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.