રેલવેનો મોટો નિર્ણય! ટ્રેનોની ઝડપ વધારવા 300થી વધુ સ્ટોપેજ થશે બંધ
ભારતીય રેલવે લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોને વધુ ઝડપી બનાવવા માટે દેશભરમાં 300થી વધુ પ્રાયોગિક સ્ટોપેજ તબક્કાવાર હટાવવાની તૈયારીમાં છે. આ નવી વ્યવસ્થા ઓક્ટોબર 2026 સુધીમાં અમલમાં આવી શકે છે, જેના કારણે કેટલીક ટ્રેનોનો મુસાફરી સમય 15થી 45 મિનિટ સુધી ઘટી શકે છે.
રેલવેના જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી 2025 દરમિયાન સ્થાનિક માંગ અને જનપ્રતિનિધિઓની ભલામણના આધારે અનેક સ્ટેશનો પર ટ્રેનોને પ્રાયોગિક ધોરણે રોકવામાં આવતી હતી. જોકે, સમીક્ષામાં સામે આવ્યું કે ઘણા સ્ટોપેજ પર દરરોજ ટ્રેન દીઠ જરૂરી સંખ્યામાં મુસાફરો પણ મળતા નહોતા, જેના કારણે સમય, ઈંધણ અને વીજળીનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો હતો.
રેલવેના અંદાજ મુજબ, એક સ્ટોપેજ દૂર કરવાથી ટ્રેનના 5થી 7 મિનિટનો સમય બચી શકે છે અને રૂટ પ્રમાણે કુલ 15થી 45 મિનિટ સુધીની મુસાફરી ઓછી થઈ શકે છે. સાથે જ પ્રતિ ટ્રેન વીજળી અથવા ડીઝલની નોંધપાત્ર બચત પણ થશે.
આ નિર્ણયની અસર રાજધાની, શતાબ્દી, દુરંતો અને કેટલાક વંદે ભારત રૂટ સહિત અનેક પ્રીમિયમ ટ્રેનો પર પડી શકે છે. હવે કયા સ્ટોપેજ ચાલુ રહેશે અને કયા બંધ થશે, તે અંગે રેલવે તબક્કાવાર યાદી જાહેર કરશે.