AMCની સ્માર્ટ સુવિધાથી હવે મિલકત નામ ટ્રાન્સફર માટે ઘરે બેઠા સ્લોટ બુક કરો અને સમય બચાવો!

AMCની સ્માર્ટ સુવિધાથી હવે મિલકત નામ ટ્રાન્સફર માટે ઘરે બેઠા સ્લોટ બુક કરો અને સમય બચાવો!

અમદાવાદીઓ માટે મોટા અને કામના સમાચાર…!

હવે મિલકતમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે AMCની કચેરીમાં લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ઘરે બેઠા જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરીને તમે તમારી સુવિધા મુજબ AMCની કચેરીએ પહોંચી શકશો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિક સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનાવવા માટે 'સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે.

હાલમાં આ સિસ્ટમ AMCની 7 ઝોનલ ઓફિસોમાં કાર્યરત કરવામાં આવી છે અને આગામી તબક્કામાં તેને શહેરના તમામ 63 સિવિક સેન્ટરો સુધી વિસ્તરણ કરવાની યોજના છે.

આ સિસ્ટમ અંતર્ગત LogBook360 પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં નાગરિકોને QR કોડ આધારિત ચેક-ઈન, ડિજિટલ ટોકન અને લાઈવ ક્યૂ ડિસ્પ્લે જેવી સુવિધાઓ મળશે.

એટલે કે, ઓનલાઈન સ્લોટ બુક કર્યા બાદ નાગરિક AMC કચેરીએ પહોંચે ત્યારે QR કોડથી ચેક-ઈન કરી શકશે. ત્યારબાદ મળેલા ટોકન નંબરનું સ્ટેટસ ડિજિટલ સ્ક્રીન પર જોઈ શકાશે અને વારો આવતાં સંબંધિત કાઉન્ટર પર સેવા મેળવી શકાશે.

અને ખાસ વાત એ છે કે, જો કોઈ નાગરિકે અગાઉથી ઓનલાઈન સ્લોટ બુક ન કર્યો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

કચેરી ખાતે ઉપલબ્ધ કિયોસ્ક મારફતે તાત્કાલિક ટોકન મેળવીને સેવાનો લાભ લઈ શકાશે.

AMCના ઈ-ગવર્નન્સ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ ઝડપી અને વધુ સુગમ રીતે મળી રહે તે દિશામાં આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

માત્ર મિલકત નામ ટ્રાન્સફર પૂરતી જ આ સુવિધા સીમિત નહીં રહે.

આગામી સમયમાં બર્થ સર્ટિફિકેટ, યલો ફીવર વેક્સિનેશન સહિતની આરોગ્ય વિભાગની સેવાઓ અને અન્ય નાગરિક સેવાઓ માટે પણ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ તથા સ્માર્ટ ક્યૂ મેનેજમેન્ટની સુવિધા શરૂ કરવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે.

અર્થાત્, આવનારા સમયમાં AMCની કચેરીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની જગ્યાએ—પહેલા સ્લોટ બુક કરો, કચેરીએ પહોંચો, ટોકન લો અને તમારો વારો ડિજિટલ સ્ક્રીન પર જાણો.

અમદાવાદ મનપા અને પાલિકાઓમાં ઓનલાઈન સ્લોટ બુકિંગની આ પ્રકારની વ્યવસ્થા શરૂ કરનારી પ્રથમ મહાનગરપાલિકા બની છે, એવો AMCનો દાવો છે.

📌 ટૂંકમાં કહીએ તો—AMCની સેવાઓ હવે 'લાઈન'માંથી નીકળીને 'ઓનલાઈન' તરફ આગળ વધી રહી છે.