ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય તૈયારીઓ તેજ બનતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોટા પાયે નવી નિમણૂકો કરીને ચૂંટણીની તૈયારીનો સંકેત આપી દીધો છે.
AAP દ્વારા નડિયાદ શહેર પ્રમુખની નિમણૂક સાથે 31 તાલુકા સંગઠન મંત્રી અને 32 તાલુકા પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ સંગઠનને મજબૂત બનાવવા 24 નગરપાલિકા સંગઠન મંત્રી અને 8 નગરપાલિકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
પાર્ટીએ મહાનગરપાલિકા સ્તરે પણ સંગઠનનો વિસ્તાર કર્યો છે. 13 મહાનગરપાલિકાના વોર્ડ સંગઠન મંત્રી અને 13 વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે અંકલેશ્વર GIDC પ્રમુખ અને સંગઠન મંત્રીને પણ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ તમામ નિમણૂકો AAPના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે.
2027ની વિધાનસભા ચૂંટણીને હવે હજુ સમય છે, પરંતુ AAPએ તાલુકાથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ સ્તર સુધી સંગઠનને સક્રિય કરીને પોતાની રાજકીય પકડ મજબૂત કરવાની કવાયત શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આ સંગઠનાત્મક ફેરફારો આગામી ચૂંટણીમાં AAPને કેટલી મજબૂતી અપાવે છે.