Advertisement

ગુજરાતમાં ગરમીનો કહેર: 17 એપ્રિલ સુધી યલો એલર્ટ, અમદાવાદમાં પારો 41° પાર થવાની શક્યતા

ગુજરાતમાં ગરમીનો કહેર: 17 એપ્રિલ સુધી યલો એલર્ટ, અમદાવાદમાં પારો 41° પાર થવાની શક્યતા


ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હાલ હવામાનના બેવડા મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દેશના કેટલાક રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ સર્જાયો છે, જ્યારે ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. હવામાન વિભાગ (IMD)એ રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આગામી 17 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી.


બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લોકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને ભેજવાળી ગરમી અને બફારાનો સામનો કરવો પડી શકે છે. આકાશ ચોખ્ખું રહેતા હીટ ઇન્ડેક્સમાં વધારો થશે, જેના કારણે સામાન્ય તાપમાન કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે.


જ્યારે ગુજરાત ગરમીથી ત્રસ્ત છે ત્યારે દેશના અન્ય રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર તેમજ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની અને વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને સતર્ક રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા સૂચના આપવામાં આવી છે.

Advertisement