ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન સંપન્ન થતાની સાથે જ ગુજરાત સરકાર વહીવટી મોરચે અત્યંત સક્રિય થઈ ગઈ છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરતા કુલ 60 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન) ના આદેશ જારી કરવામાં આવ્યા છે. 27 એપ્રિલ 2026ના રોજ મોડી સાંજે લેવાયેલા આ નિર્ણયમાં 44 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે 21 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
44 અધિકારીઓને મળ્યું પ્રમોશન: ઉચ્ચ પદ અને નવી જવાબદારી
સરકાર દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ, 5 વરિષ્ઠ સંયુક્ત સચિવોને 'અધિક સચિવ' (વર્ગ-1) તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, સચિવાલયના વિવિધ વિભાગોમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા 39 અધિકારીઓને 'નાયબ સચિવ' (વર્ગ-1) તરીકે પ્રોમોશન આપી નવી નિમણૂકો અપાઈ છે. પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ના રૂજુતા ત્રિવેદી અને મનોજકુમાર જેઠવા તેમજ મુખ્ય સચિવ કાર્યાલયના વર્ષાન્ત રંભાપુરવાલા અને સુમિતકુમાર ચૌધરી જેવા મહત્વના ચહેરાઓ સામેલ છે.
વહીવટી બદલીઓનો ગંજીપો: મહત્વના વિભાગોમાં ફેરફાર
બઢતીની સાથે સાથે 21 જેટલા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં:
શૈલેષ વી. પરમાર: વન અને પર્યાવરણ વિભાગ.
અંજનાબેન રાઠોડ: પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ.
કે. કે. પટેલ: ગૃહ વિભાગ.
ભક્તિબેન શામળ: ઉદ્યોગ અને ખાણ વિભાગ.
જયેશ બી. પટેલ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ.
શબાના એમ. કુરેશી: રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ.
તાત્કાલિક હાજર થવા આદેશ
સામાન્ય વહીવટ વિભાગે આ આદેશોનો તાત્કાલિક અમલ કરવા માટે કડક સૂચના આપી છે. તમામ અધિકારીઓને હાલની ફરજ પરથી મુક્ત થઈ, નવી જગ્યાનો ચાર્જ સંભાળીને તેની જાણ વિભાગને કરવા જણાવવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા જ વહીવટી તંત્રમાં કરવામાં આવેલો આ મોટો ફેરફાર આગામી સમયમાં સરકારી કામગીરીમાં ગતિ લાવશે તેમ મનાઈ રહ્યું છે.