ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત! 3,000 જગ્યાઓ માટે 26 નવેમ્બરથી શરૂ થશે અરજી, ધોરણ-12 પાસ યુવાનોને મોટી તક

ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત! 3,000 જગ્યાઓ માટે 26 નવેમ્બરથી શરૂ થશે અરજી, ધોરણ-12 પાસ યુવાનોને મોટી તક

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગમાં વર્ગ-3ની લોકરક્ષક અને ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 3,000 જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખાસ વાત એ છે કે લોકરક્ષક કેડરની મોટાભાગની જગ્યાઓ માટે ધોરણ-12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે.

ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ઉમેદવારો 16 ડિસેમ્બર, 2026 સુધી અરજી કરી શકશે.

લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓ પર ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરમાં કુલ 2,841 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ સંવર્ગ પ્રમાણે જગ્યાઓની વિગતો નીચે મુજબ છે.

  • બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC): 1,000 જગ્યાઓ

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC): 1,000 જગ્યાઓ

  • SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 841 જગ્યાઓ

આ ઉપરાંત ટેકનિકલ કેડર (M.T.)માં પણ ભરતી કરવામાં આવશે. જેમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-2ની 133 અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ-2ની 25 જગ્યાઓનો સમાવેશ થાય છે.

ધોરણ-12 પાસ ઉમેદવારો માટે તક

આ ભરતીમાં લોકરક્ષક કેડરની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ-12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. જ્યારે ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે ઉમેદવાર પાસે સંબંધિત ટેકનિકલ લાયકાત હોવી આવશ્યક છે.

ખાસ કરીને મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડ સંબંધિત સર્ટિફિકેટ અને એપ્રેન્ટિસશિપની લાયકાત ધરાવતા ઉમેદવારો ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત ઉમેદવારોએ ભરતીના નિયમો મુજબ વયમર્યાદા અને શારીરિક કસોટીના માપદંડો પણ પૂર્ણ કરવા પડશે.

ક્યારે અને કેવી રીતે કરવી અરજી?

પોલીસ ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે. ઉમેદવારો નીચેની તારીખો ધ્યાનમાં રાખીને અરજી કરી શકશે.

  • અરજી શરૂ થવાની તારીખ: 26 નવેમ્બર, 2026

  • અરજી શરૂ થવાનો સમય: બપોરે 2:00 વાગ્યે

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ડિસેમ્બર, 2026

  • અરજીનું માધ્યમ: ઓનલાઈન

આ વેબસાઇટ પર ભરવાનું રહેશે ફોર્મ

ગુજરાત પોલીસમાં ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

ભરતીને લગતી વિગતવાર જાહેરાત, લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી અને પસંદગી પ્રક્રિયાની માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર તપાસ કરવી જરૂરી છે.

ગુજરાત પોલીસમાં જોડાઈને દેશ અને સમાજની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ ભરતી એક મહત્વપૂર્ણ તક બની શકે છે. ઉમેદવારોએ છેલ્લી ઘડીની ઉતાવળ ટાળીને સમયસર ફોર્મ ભરવા અને અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો જોઈએ.