ગુજરાતમાં હોમસ્ટે નીતિમાં મોટો ફેરફાર: હવે 9 રૂમ સુધી હોમસ્ટે ચલાવી શકાશે, માલિકની હાજરી પણ ફરજિયાત નહીં

ગુજરાતમાં હોમસ્ટે નીતિમાં મોટો ફેરફાર: હવે 9 રૂમ સુધી હોમસ્ટે ચલાવી શકાશે, માલિકની હાજરી પણ ફરજિયાત નહીં

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને સ્થાનિક લોકોને સ્વરોજગારની નવી તક પૂરી પાડવા રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ સુધારાથી હવે રાજ્યમાં હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો વધુ સરળ બનશે. નવી જોગવાઈ પ્રમાણે હોમસ્ટેમાં રૂમની મહત્તમ સંખ્યા 6થી વધારીને 9 કરવામાં આવી છે. એટલું જ નહીં, હવે હોમસ્ટેના માલિકે વ્યવસાયના સ્થળે જ રહેવું પણ ફરજિયાત રહેશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પ્રવાસન સ્થળોની આસપાસ રહેતા લોકો પોતાની મિલકતનો ઉપયોગ કરીને આવકનું નવું સાધન ઊભું કરી શકશે. ખાસ કરીને નાના મિલકતધારકો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હવે મેનેજરની મદદથી પણ ચલાવી શકાશે હોમસ્ટે

નવી નીતિમાં સંચાલન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે. અગાઉ હોમસ્ટેના માલિકની સ્થળ પર હાજરીને મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ હવે માલિક પોતાની ગેરહાજરીમાં અધિકૃત મેનેજરની નિમણૂક કરીને હોમસ્ટે ચલાવી શકશે.

આ ઉપરાંત નોંધણી માટે જરૂરી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. જોકે પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થાને લગતા અન્ય નિયમો યથાવત્ રહેશે.

બે વર્ષ માટે મળશે નોંધણી, ઓનલાઇન જ થશે રિન્યુઅલ

હોમસ્ટે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નોંધણી અને રિન્યુઅલની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. હવે હોમસ્ટેની નોંધણી બે વર્ષ માટે માન્ય રહેશે.

નોંધણી પૂર્ણ થયા બાદ રિન્યુઅલ માટે સંચાલકો ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશનના આધારે અરજી કરી શકશે. એટલે કે દરેક વખતે ભૌતિક ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં પડે. જોકે નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવા પ્રવાસન વિભાગ જરૂરિયાત મુજબ રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ ઇન્સ્પેક્શન કરી શકશે.

હોમસ્ટે શરૂ કરવા માટે ક્યાં કરાવવું રજિસ્ટ્રેશન?

ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા નાગરિકો પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.

નોંધણી માટેની વેબસાઇટ:
https://commissionertourism.gujarat.gov.in/home-stay/register

સંચાલકો માટે ખાસ વર્કશોપનું આયોજન

નવી નીતિનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપમાં પ્રવાસન સ્થળોની આસપાસ રહેતા નાગરિકોને પોતાની મિલકતને આધુનિક હોમસ્ટેમાં કેવી રીતે પરિવર્તિત કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તજજ્ઞો દ્વારા રૂમનું આયોજન, ભાડું નક્કી કરવાની પદ્ધતિ, ડિજિટલ માર્કેટિંગ અને સ્થાનિક સંસ્કૃતિ આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવશે.

વર્કશોપમાં ભાગ લેવા માટે આ લિંક પર નોંધણી કરાવી શકાશે:

https://www.gujarattourism.com/forms/guide-tourist.html

એક વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો વધારો

ગુજરાતમાં હોમસ્ટે વ્યવસાય પ્રત્યે લોકોનો રસ ઝડપથી વધી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં નોંધાયેલા હોમસ્ટેની સંખ્યા 148 હતી. જ્યારે વર્ષ 2026-27માં આ સંખ્યા વધીને 304 થઈ છે.

આ રીતે માત્ર એક વર્ષમાં હોમસ્ટેની સંખ્યામાં 105.4 ટકાનો વધારો નોંધાયો છે.

સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મળશે પ્રોત્સાહન

સરકારના આ સુધારાનો મુખ્ય હેતુ ગુજરાતમાં પ્રવાસન સુવિધાઓનો વિસ્તાર કરવાની સાથે સ્થાનિક લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. હોમસ્ટેના માધ્યમથી પ્રવાસીઓને હોટલથી અલગ સ્થાનિક પરિવારો સાથે રહીને ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાનપાન અને જીવનશૈલીને નજીકથી જાણવાની તક મળશે.

બીજી તરફ સ્થાનિક લોકો માટે મિલકતમાંથી વધારાની આવક મેળવવાનો માર્ગ ખુલશે. સાથે જ સફાઈ, ભોજન, પરિવહન, માર્ગદર્શન અને અન્ય પ્રવાસન સેવાઓમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સંભાવના છે.

હવે જોવાનું એ રહેશે કે હોમસ્ટે નીતિમાં કરવામાં આવેલા આ સુધારા ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક સ્વરોજગારને કેટલી નવી ઊંચાઈએ લઈ જાય છે.