બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા અને ફિલ્મમેકર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ તેની ફિલ્મ કે વેબ સિરીઝ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મેગેઝિન TIME દ્વારા મળેલું સન્માન છે. આર્યનને મેગેઝિનની પ્રથમ TIME100 Next India યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઉપલબ્ધિ વચ્ચે આર્યને પિતા શાહરુખ ખાન સાથે થતી પોતાની સરખામણી અંગે પણ ખુલાસો કર્યો છે.
અમેરિકન મેગેઝિન TIMEને આપેલા ઇન્ટરવ્યુમાં આર્યને જણાવ્યું કે શાહરુખ ખાન સાથે તેની સરખામણી થવી તેને પરેશાન કરતી નથી. તે આ સરખામણીને પોતાના માટે પ્રશંસા માને છે. તેના મતે, જ્યારે દેશના નંબર-1 સ્ટાર સાથે તમારી સરખામણી થાય ત્યારે તેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી.
'તેમની સાથે સરખામણી થવી મારા માટે પ્રશંસા છે'
ઇન્ટરવ્યુ દરમિયાન આર્યનને પૂછવામાં આવ્યું હતું કે શાહરુખ ખાનનો દીકરો હોવાને કારણે લોકો તેની સરખામણી પિતા સાથે કરે છે, ત્યારે તેને કેવું લાગે છે?
આ સવાલના જવાબમાં આર્યને કહ્યું કે દરેક વ્યક્તિની તેમની સાથે સરખામણી કરવામાં આવી છે. જો તે પણ આ લોકોમાં સામેલ છે તો તેમાં તેને કોઈ મુશ્કેલી નથી. શાહરુખ ખાન જેવા નંબર-1 વ્યક્તિ સાથે સરખામણી થવી તેના માટે પ્રશંસાની વાત છે. આર્યને પિતાની અસાધારણ ક્ષમતાના વખાણ કરતાં તેમને 'બીસ્ટ' પણ ગણાવ્યા હતા.
સલમાન ખાનના કેમિયો પાછળનો રસપ્રદ કિસ્સો
ઇન્ટરવ્યુમાં આર્યને પોતાની ડેબ્યૂ ડિરેક્ટોરિયલ સિરીઝ 'ધ બેડ્સ ઑફ બૉલિવૂડ' સાથે જોડાયેલી એક મજેદાર ઘટના પણ શેર કરી હતી.
આર્યને જણાવ્યું કે સિરીઝના શૂટિંગ દરમિયાન તેને જાણ થઈ કે સલમાન ખાન પણ એ જ લોકેશન પર હાજર છે. તેણે સલમાનની ટીમને મેસેજ કરીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, સલમાને પોતે જ આર્યનના સેટ પર આવવાનું નક્કી કર્યું.
સલમાન સેટ પર આવવાનો હોવાની જાણ થતાં જ આર્યને પોતાના સિનેમેટોગ્રાફરને એક શોટ તૈયાર રાખવા કહ્યું હતું. સલમાન સેટ પર પહોંચ્યો ત્યારે તેણે આર્યનને પૂછ્યું કે પોઝિશન શું છે? આ તકનો લાભ લઈને આર્યને તરત જ એક ડાયલોગ તૈયાર કર્યો અને સલમાનને કેમેરા સામે ઊભો રાખ્યો. આ રીતે સલમાનનો કેમિયો સિરીઝનો યાદગાર ભાગ બન્યો.
વિશાલ ભારદ્વાજે પણ કર્યા આર્યનનાં વખાણ
આર્યનને TIME100 Next Indiaમાં સ્થાન મળ્યા બાદ ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજે પણ તેના વ્યક્તિત્વ અને કામની પ્રશંસા કરી હતી.
વિશાલના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે શાહરુખ ખાનનો દીકરો હોવાને કારણે આર્યનમાં સ્ટાર કિડ જેવો અહંકાર હોઈ શકે છે. પરંતુ મુલાકાત બાદ તેમની ધારણા બદલાઈ ગઈ હતી. તેમણે આર્યનને વિનમ્ર, સન્માનપૂર્વક વર્તન કરનાર અને અલગ પ્રકારની હ્યુમર ધરાવતો વ્યક્તિ ગણાવ્યો હતો.
તેમણે એ પણ નોંધ્યું કે આર્યનની સર્જનાત્મક વિચારસરણી તેના પિતા શાહરુખ ખાનથી ઘણી અલગ છે.
2025માં ડિરેક્ટર તરીકે કર્યું હતું ડેબ્યૂ
શાહરુખ ખાનનો દીકરો હોવા છતાં આર્યને અભિનયને બદલે ફિલ્મમેકિંગનો રસ્તો પસંદ કર્યો છે. વર્ષ 2025માં તેણે નેટફ્લિક્સની સિરીઝ 'ધ બેડ્સ ઑફ બૉલિવૂડ' દ્વારા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.
આ સિરીઝમાં બોલિવૂડની દુનિયા, સ્ટારડમ, નેપોટિઝમ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરની રાજનીતિને વ્યંગ્યાત્મક અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. સિરીઝમાં લક્ષ્ય લાલવાણી, રાઘવ જુયાલ, સેહર બાંબા, બોબી દેઓલ અને મોના સિંહ સહિતના કલાકારો જોવા મળ્યા હતા. શાહરુખ, સલમાન અને આમિર ખાનના કેમિયોએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
TIME100 Next Indiaમાં કઈ હસ્તીઓને સ્થાન મળ્યું?
19 નવેમ્બર 2026ના રોજ જાહેર થયેલી TIME100 Next Indiaની પ્રથમ યાદીમાં ભારતની 100 ઉભરતી પ્રતિભાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મનોરંજન, બિઝનેસ, ટેક્નોલોજી, રમતગમત, વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા લોકોનો તેમાં સમાવેશ થયો છે.
આ યાદીમાં આર્યન ખાન ઉપરાંત પાયલ કાપડિયા, દિલજીત દોસાંઝ, આલિયા ભટ્ટ, અનિરુદ્ધ રવિચંદર, સામંથા રુથ પ્રભુ, સાઈ પલ્લવી, વિકી કૌશલ અને યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સહિત અનેક જાણીતા નામો સામેલ છે.
આર્યન ખાન, પાયલ કાપડિયા અને થેજા રિયોને મેગેઝિનના એક કવર પર સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક પવન કુમાર ચંદનાને પણ અલગ-અલગ કવર પર સ્થાન આપવામાં આવ્યું છે.
આ યાદીનું પ્રિન્ટ એડિશન 7 ડિસેમ્બરે પ્રકાશિત થશે, જ્યારે સન્માનિત પ્રતિભાઓ માટે 12 ડિસેમ્બરે મુંબઈમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.