ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી માટે જાહેરાત જાહેર કર્યા બાદ હવે ભરતી પ્રક્રિયા અંગેની વિગતવાર માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા, નેગેટિવ માર્કિંગ, અનામત કેટેગરી, વધારાના ગુણ, પરીક્ષા ફી અને દસ્તાવેજ ચકાસણી સહિતના મહત્ત્વપૂર્ણ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે લેખિત પરીક્ષામાં પાર્ટ-A અને પાર્ટ-B બંનેમાં અલગ-અલગ પાસ થવું ફરજિયાત રહેશે.
26 નવેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
લોકરક્ષક કેડરની ભરતી માટે ઉમેદવારો 26 નવેમ્બર 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ભરતી અંગેની વિગતવાર સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
શારીરિક કસોટીમાં ઊંચાઈ અને છાતીના માપના નિયમો
દોડની કસોટીમાં સફળ થનારા ઉમેદવારોની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે. સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે ઓછામાં ઓછી 165 સેન્ટિમીટર ઊંચાઈ અને 79થી 84 સેન્ટિમીટર છાતીનું માપ જરૂરી રહેશે. જ્યારે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈનો માપદંડ 162 સેન્ટિમીટર રાખવામાં આવ્યો છે.
મહિલા ઉમેદવારો માટે સામાન્ય રીતે ઓછામાં ઓછી 155 સેન્ટિમીટર ઊંચાઈ જરૂરી રહેશે. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવારો માટે આ માપદંડ 150 સેન્ટિમીટર રહેશે.
લેખિત પરીક્ષામાં 200 પ્રશ્નો અને 3 કલાકનો સમય
શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા ઓબ્જેક્ટિવ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો પૂછાશે, જેના માટે 200 ગુણ અને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.
પરીક્ષાના બે વિભાગ રહેશે.
પાર્ટ-A: 80 ગુણ
રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન: 30 ગુણ
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ: 30 ગુણ
ગુજરાતી ભાષાનું કોમ્પ્રિહેન્શન: 20 ગુણ
પાર્ટ-B: 120 ગુણ
ભારતનું બંધારણ: 30 ગુણ
વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સામાન્ય જ્ઞાન: 40 ગુણ
ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ: 50 ગુણ
ઉમેદવારોએ બંને વિભાગમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવાના રહેશે. એટલે કે એક વિભાગમાં સારા ગુણ મેળવીને બીજા વિભાગમાં નાપાસ થનાર ઉમેદવારને પાસ ગણવામાં આવશે નહીં.
ખોટા જવાબ માટે 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ
લેખિત પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. દરેક પ્રશ્નમાં 'E' એટલે કે 'Not Attempted'નો વિકલ્પ આપવામાં આવશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ઇચ્છતા ન હોય તો E વિકલ્પ પસંદ કરી શકશે. આ વિકલ્પ પસંદ કરવા પર કોઈ નેગેટિવ માર્કિંગ નહીં થાય.
જોકે, કોઈપણ વિકલ્પ પસંદ ન કરવો અથવા એકથી વધુ વિકલ્પ પસંદ કરવા પર 0.25 ગુણ કપાશે. OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ કરવાથી પણ જવાબ ખોટો ગણાશે.
NCC અને રમતવીરોને મળશે વધારાના ગુણનો લાભ
ભરતી બોર્ડ દ્વારા કેટલીક વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વધારાના ગુણની જોગવાઈ પણ કરવામાં આવી છે.
NCC 'C' સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 2 વધારાના ગુણ મળશે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી માન્ય કોર્સ કરનારને કોર્સના સમયગાળા પ્રમાણે 3થી 10 ગુણ મળશે.
એક વર્ષના કોર્સ માટે 3, બે વર્ષ માટે 5, ત્રણ વર્ષ માટે 8 અને ચાર વર્ષ કે તેથી વધુ સમયના કોર્સ માટે 10 ગુણ મળશે.
નિર્ધારિત લાયકાત ધરાવતા રમતવીરોને લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ મળશે.
પુનઃલગ્ન ન કરનાર વિધવા મહિલા ઉમેદવારોને પણ લેખિત પરીક્ષાના કુલ ગુણના 5 ટકા વધારાના ગુણ આપવામાં આવશે.
આ વધારાના ગુણ મેળવવા માટે સંબંધિત પ્રમાણપત્રો અને જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે.
ખાલી જગ્યાના બમણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવાશે
લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ અને નિયમ મુજબ મળવાપાત્ર વધારાના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ઉપલબ્ધ ખાલી જગ્યાના આશરે બમણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ અલગ-અલગ કેડર માટે પોતાની પસંદગીનો ક્રમ આપવાનો રહેશે. એકવાર પસંદગીનો ક્રમ આપ્યા બાદ તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
એકથી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સૂચના
ભરતી બોર્ડે ઉમેદવારોને એક જ અરજી કરવા સ્પષ્ટ સૂચના આપી છે. જો કોઈ ઉમેદવાર એકથી વધુ ફોર્મ ભરે છે, તો છેલ્લે કન્ફર્મ કરેલી અરજી જ માન્ય ગણાશે. અગાઉ ભરેલી અરજીઓ રદ કરવામાં આવશે. અગાઉની અરજી સાથે ભરેલી ફી છેલ્લી અરજીમાં ગણવામાં આવશે નહીં અને એકથી વધુ અરજીઓની ફી પરત પણ આપવામાં આવશે નહીં.
જનરલ કેટેગરી માટે 100 રૂપિયા પરીક્ષા ફી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પરીક્ષા ફી ઉપરાંત લાગુ પડતા બેન્ક સર્વિસ ચાર્જ ચૂકવવાના રહેશે. જ્યારે EWS, SC, ST, SEBC અને માજી સૈનિક કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પરીક્ષા ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકાશે. ફી ભરવાની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીની રહેશે.
અરજીમાં આપેલો મોબાઈલ નંબર ચાલુ રાખવો જરૂરી
ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાનો ચાલુ મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી આપવાનું રહેશે. ભરતી સંબંધિત મહત્ત્વપૂર્ણ સૂચનાઓ SMS મારફતે મોકલવામાં આવી શકે છે. તેથી અરજીમાં આપેલો મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવી પડશે.
પાંચ વર્ષનો કરાર, દર મહિને 26 હજાર રૂપિયા ફિક્સ પગાર
પસંદગી પામેલા બિનહથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ સહિતના સંબંધિત લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે પાંચ વર્ષનો કરાર આધારિત સમયગાળો રહેશે. આ સમયગાળા દરમિયાન દર મહિને 26,000 રૂપિયાનું ફિક્સ વેતન આપવામાં આવશે.
પાંચ વર્ષનો કરાર સંતોષકારક રીતે પૂર્ણ કર્યા બાદ નિયમો મુજબ નિયમિત પગારધોરણમાં નિમણૂક આપવામાં આવશે. ઉમેદવારોએ નિમણૂક બાદ બે વર્ષમાં લાઇટ મોટર વ્હીકલ (LMV) અથવા હેવી મોટર વ્હીકલ (HMV)નું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી લેવાનું રહેશે.
ભરતી અંગેની પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર જાહેર
લોકરક્ષક ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 1800 233 5500 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉમેદવારો 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2026 દરમિયાન સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધી આ નંબર પર સંપર્ક કરી શકશે. જોકે, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં આ સેવા ઉપલબ્ધ રહેશે નહીં.
ઉમેદવારો માટે ખાસ સૂચના: અરજી કરતા પહેલાં ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચનાઓ, શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત અને જરૂરી પ્રમાણપત્રોની વિગતો ધ્યાનપૂર્વક તપાસવી જરૂરી છે.