Advertisement

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ઓફિસ જતા કે પરત ફરતા અકસ્માતમાં મોત થાય તો પરિવાર વળતર મેળવવા હકદાર

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ઓફિસ જતા કે પરત ફરતા અકસ્માતમાં મોત થાય તો પરિવાર વળતર મેળવવા હકદાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ‘નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદા હેઠળ એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીએ જતા સમયે અથવા ફરજ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ચાલુ ફરજ દરમિયાન થયેલું મૃત્યુ જ ગણવામાં આવશે. જસ્ટિસ જે.સી. દોશીએ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને જણાવ્યું હતું કે, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો જ એક અભિન્ન ભાગ છે. આ ચુકાદાથી હવે કર્મચારીઓના પરિવારજનો ‘કર્મચારી વળતર અધિનિયમ’ હેઠળ યોગ્ય વળતર મેળવવા માટે કાયદેસર રીતે હકદાર બનશે, જે કામદારોના હિતોના રક્ષણ માટે અત્યંત મહત્વનો નિર્ણય સાબિત થશે.


આ કેસની વિગતો અનુસાર, વર્ષ ૨૦૦૨માં સુરતની સાલાસર પોલીટેક્સ કંપનીમાં ડિલિવરી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજયકુમાર વાંકાલાનું નોકરી પૂરી કરી ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ મામલે વર્ષ ૨૦૦૬માં વર્કમેન કમિશનરે મૃતકના પરિવારને વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, વીમા કંપની અને વાહન માલિકે આ આદેશને હાઈકોર્ટમાં પડકારતા દલીલ કરી હતી કે અકસ્માત સમયે કર્મચારી ફરજ પર નહોતો. હાઈકોર્ટે વીમા કંપનીની આ દલીલોને ધરાર ફગાવી દીધી હતી અને આકરા વલણ સાથે વીમા કંપનીની અપીલ રદ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે આવા કિસ્સાઓમાં ‘નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ની જોગવાઈ લાગુ પડે છે, તેથી કંપની કે વીમા કંપની વળતર ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.


હાઈકોર્ટે વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમની યોગ્ય તપાસ કરી મૃતકના વારસદારોને તે તાત્કાલિક ચૂકવી દેવામાં આવે. આ ઐતિહાસિક ચુકાદાએ એ પ્રસ્થાપિત કરી દીધું છે કે કર્મચારીની સુરક્ષા અને તેના પરિવારનું આર્થિક હિત માત્ર ઓફિસની ચાર દીવાલો પૂરતું સીમિત નથી, પરંતુ રસ્તા પરના મુસાફરીના સમયને પણ કાયદાકીય રક્ષણ પ્રાપ્ત છે. આ નિર્ણય આગામી સમયમાં અકસ્માત વળતરના અનેક કેસો માટે માર્ગદર્શક બની રહેશે.

Advertisement