Advertisement

અમરેલી કોંગ્રેસમાં મોટો ઝટકો: NSUI જિલ્લા પ્રમુખ સાહિલ શેખ ભાજપમાં જોડાયા, કલાકોમાં જ મળ્યું ઉમેદવારી ટિકિટ

અમરેલી કોંગ્રેસમાં મોટો ઝટકો: NSUI જિલ્લા પ્રમુખ સાહિલ શેખ ભાજપમાં જોડાયા, કલાકોમાં જ મળ્યું ઉમેદવારી ટિકિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના જિલ્લા પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો કેસરીયો ધારણ કર્યો છે. ભાજપમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં જ તેમને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.


સાવરકુંડલામાં યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે સાહિલ શેખે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સાહિલ શેખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ભાજપમાં જોડાયા બાદ સાહિલ શેખ માટે આ નિર્ણય લોટરી સમાન સાબિત થયો છે. પક્ષે તેમને સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9માંથી ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસના યુવા સંગઠનનો મજબૂત ચહેરો ગણાતા સાહિલ શેખ હવે ભાજપના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.


ચૂંટણીના ટાણે જ NSUIના જિલ્લા પ્રમુખ જેવા મહત્ત્વના નેતાએ પક્ષ છોડતા કોંગ્રેસમાં ચિંતા વધી છે. યુવા કાર્યકરોમાં મજબૂત પકડ ધરાવતા નેતાના પક્ષપલટાથી કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ, ભાજપે વિરોધ પક્ષના યુવા નેતાને પોતાની સાથે જોડતા રાજકીય રીતે મોટો લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement