અમદાવાદમાં સ્ટેટ GSTની સૌથી મોટી કાર્યવાહી: 4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં સ્ટેટ GSTની સૌથી મોટી કાર્યવાહી: 4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો ઝડપાયો

અમદાવાદમાં રાજ્ય વેરા ખાતા (સ્ટેટ GST)ની મોબાઇલ સ્કોડ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાના કિંમતી માલસામાનનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશેષ ચકાસણી દરમિયાન યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલા કિંમતી પથ્થરો કબ્જે કરવામાં આવ્યા હતા.


પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઝડપાયેલા માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. 4.25 કરોડ જેટલી છે. રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં આ કાર્યવાહી સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.


હાલમાં વિભાગ દ્વારા માલસામાનના સ્ત્રોત, તેના ગંતવ્ય સ્થળ તેમજ સંભવિત કરચોરીના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને કારણે વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે.