IPL 2026: RCB પર કરોડોનો વરસાદ, વૈભવ સૂર્યવંશી સહિત સ્ટાર ખેલાડીઓએ જીત્યા મોટા એવોર્ડ્સ

IPL 2026: RCB પર કરોડોનો વરસાદ, વૈભવ સૂર્યવંશી સહિત સ્ટાર ખેલાડીઓએ જીત્યા મોટા એવોર્ડ્સ

સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ₹20 કરોડ, ગુજરાત ટાઇટન્સને મળ્યા ₹12.50 કરોડ


આઈપીએલ 2026ની હાઈવોલ્ટેજ ફાઇનલ બાદ યોજાયેલી ભવ્ય એવોર્ડ સેરેમનીમાં ખેલાડીઓ અને ટીમો પર ઇનામોની વરસાત થઈ હતી. સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટ્રોફી સાથે ₹20 કરોડની બમ્પર પ્રાઇઝ મની પોતાના નામે કરી હતી, જ્યારે રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સને ₹12.50 કરોડની ઇનામી રકમ મળી હતી. સમગ્ર સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ લાખો રૂપિયાના એવોર્ડ્સ અને વિશેષ સન્માન આપવામાં આવ્યા હતા.


આઈપીએલ 2026માં ત્રીજા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સને ₹7 કરોડ અને ચોથા સ્થાને રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ₹6.5 કરોડની પ્રાઇઝ મની આપવામાં આવી હતી. આ સિઝનમાં અનેક રોમાંચક મુકાબલાઓ અને નવા રેકોર્ડ્સ જોવા મળ્યા હતા, જેના કારણે ક્રિકેટ ચાહકો માટે આખી ટૂર્નામેન્ટ યાદગાર બની રહી હતી.


વ્યક્તિગત એવોર્ડ્સમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ ચર્ચા મેળવી હતી. તેમને ‘સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન’નો ખિતાબ મળ્યો હતો. ઉપરાંત સિઝનમાં સૌથી વધુ 72 છગ્ગા ફટકારી તેમણે ₹10 લાખનો એવોર્ડ પણ જીત્યો હતો. સાઈ સુદર્શનએ સમગ્ર સિઝનમાં સૌથી વધુ 75 ચોગ્ગા ફટકારી ₹10 લાખનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.


બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ ડોટ બોલ ફેંકી ₹10 લાખનો એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચ લેવા બદલ મનીષ પાંડેને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ફેર પ્લે એવોર્ડ પંજાબ કિંગ્સને મળ્યો હતો, જ્યારે પીચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ માટે ઈડન ગાર્ડન્સની પસંદગી કરવામાં આવી હતી, જેને ₹50 લાખની ઇનામી રકમ આપવામાં આવી હતી.


ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીતના હીરો વિરાટ કોહલી અને રસિખ સલામ રહ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગના દમ પર ‘પ્લેયર ઓફ ધ મેચ’, ‘સુપર સિક્સિસ ઓફ ધ મેચ’ અને ‘ઓન ધ ગો-4s ઓફ ધ મેચ’ જેવા ત્રણ મહત્વના એવોર્ડ્સ જીત્યા હતા. જ્યારે ‘સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ’નો એવોર્ડ વેંકટેશ અય્યરને અને ‘ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ’નો એવોર્ડ ભુવનેશ્વર કુમારને મળ્યો હતો.


બેટિંગમાં વૈભવ સૂર્યવંશી 776 રન સાથે સિઝનના સર્વોચ્ચ રનસ્કોરર રહ્યા હતા. તેમની પાછળ શુભમન ગિલે 732 રન, સાઈ સુદર્શનએ 722 રન, વિરાટ કોહલીએ 675 રન અને હેનરિખ ક્લાસેને 624 રન બનાવ્યા હતા. બોલિંગમાં કાગિસો રબાડાએ 29 વિકેટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભુવનેશ્વર કુમાર 28 વિકેટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. જોફ્રા આર્ચરે 25 વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદ ખાને અને અંશુલ કમ્બોજે 21-21 વિકેટ મેળવી હતી.


આઈપીએલ 2026ની સિઝન યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શન, નવા રેકોર્ડ્સ અને રોમાંચક મુકાબલાઓ માટે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ખાસ કરીને વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત ખિતાબ જીતી પોતાની દબદબાભરી બાદશાહત સાબિત કરી છે.