ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

ગાંધીનગર: ગુજરાતમાં વધતા સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતાં ગુજરાત પોલીસે ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચલાવવામાં આવેલા આ વિશેષ અભિયાન દરમિયાન રાજ્યભરમાં સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન કુલ 565 FIR નોંધાઈ હતી જ્યારે 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે.


સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને ‘મ્યૂલ અકાઉન્ટ’ કહેવામાં આવે છે. આવા ખાતાઓનો ઉપયોગ કરીને ગુનેગારો પોતાના નાણાકીય વ્યવહારોને છુપાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાત પોલીસે આ પ્રકારના ખાતાઓની ઓળખ કરી તેમની સામે રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરી હતી.


આ ઓપરેશનમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇન મારફતે મળેલા ડેટાનો ઉપયોગ કરીને વિશેષ ઇન્ટેલિજન્સ તૈયાર કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, રેન્જ કચેરીઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડીને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગની વ્યવસ્થા ઉભી કરી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ પર સતત નજર રાખવામાં આવી હતી.


ઓપરેશનના પરિણામે સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા નાણાકીય વ્યવહારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચેક મારફતે થતી ઉપાડની પ્રવૃત્તિમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે માસિક ચેક ઉપાડની રકમ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ થઈ ગઈ છે. એટીએમ મારફતે થતા ઉપાડમાં પણ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 દરમિયાન 66 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત પ્રથમ સ્તરના મ્યૂલ અકાઉન્ટની સંખ્યામાં પણ 30 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું પોલીસના આંકડાઓ દર્શાવે છે.


આ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નવી રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે. જેના આધારે શંકાસ્પદ ખાતાઓની વહેલી ઓળખ કરી બેંકો જરૂરી પગલાં લઈ શકશે. સાથે જ વિવિધ બેંકો વચ્ચે માહિતી વહેંચણી માટે ‘mulehunter.ai’ નામની વિશેષ રજિસ્ટ્રી પણ વિકસાવવામાં આવી રહી છે.


સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્તરે પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અને ડિજિટલ વ્યવહારો દરમિયાન વધુ જાગૃતતા દાખવવા અપીલ કરી છે. ગુજરાત પોલીસનું આ ઓપરેશન રાજ્યમાં સાયબર ગુનાઓ સામેની લડતમાં એક મહત્વપૂર્ણ અને અસરકારક પગલું માનવામાં આવી રહ્યું છે.