દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ બ્લ્યુ ફ્લેગ શિવરાજપુર બીચ પર ફરવા જવાનું આયોજન કરી રહેલા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન દરિયો વધુ તોફાની બનતો હોવાથી અને ભારે કરંટ જોવા મળતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયામાં નાહવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ શિવરાજપુર બીચ લાઇટ હાઉસથી લઈને શિવરાજપુર બીચના ખાડી-2 પોઇન્ટના છેડા સુધીના આશરે 5 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને દરિયામાં નાહવા કે સ્વિમિંગ કરવાની મંજૂરી રહેશે નહીં. ચોમાસા દરમિયાન દરિયામાં ઉભા થતા જોખમી પ્રવાહ અને ઊંચા મોજાંને કારણે અકસ્માતોની શક્યતા વધતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું આગામી 30 જુલાઈ સુધી અમલમાં રહેશે. જોકે પ્રવાસીઓ બીચ પર ફરી શકશે, પરંતુ દરિયામાં ઉતરવા અથવા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સ્થળ પર જરૂરી દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
વહીવટી તંત્રે પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપે. જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરતી ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને નિયમો મુજબ સખત પગલાં લેવામાં આવશે.