અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમ CNG બેઝ્ડ પેટ ડોગ્સ સ્મશાનગૃહ કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલતિ ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે, જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમવિધિ હવે ઘેરબેઠાં પણ જોઈ શખશે. તો બીજી તરફ શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન મશીન છેલ્લાં બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
એક સમયે ત્રણ ડોગના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહનપ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°Cથી 900°C તાપમાને દહનપ્રક્રિયા થાય છે.
એક ડોગની અંતિમવિધિ પાછળ રૂ. 700નો ખર્ચ
બે ડોગના અંતિમસંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી છે. ક્રિમેશન ચેમ્બરનું કદ આશરે 4 ફૂટ × 3 ફૂટ × 3 ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટિક ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.
CCTVથી ઘેરબેઠા પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકાશે
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેરબેઠાં પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનનાં પરિવારજનો માટે 6 સીટિંગ બાકડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ એનાં અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.
પેટ ડોગના મૃત્યુની જાણ 155303 નંબર પર કરવી
આ અંતિમવિધિની ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે તેમજ પેટ ડોગનાં રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફૂલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત્ માલિક દ્વારા તેના ઘરે પૂજાવિધિ, ફૂલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.
પેટ ડોગના મૃત્યુના પ્રમાણપત્રની પણ વ્યવસ્થા કરાઈ
માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયું ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઇન માધ્યમથી રજિસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વીડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ડોગની ક્રિમેશન પ્રક્રિયાથી કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાયરસનો નાશ
આ ગેસ ફાયર્ડ ડોગ સ્મશાનગૃહ અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે અકસ્માતથી કે કુદરતી રીતે કૂતરાનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થાય છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે તેમજ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. પાલતું તેમજ શેરીનાં કૂતરાંમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ, હડકવા જેવા વાઇરસ જોવા મળતા હોય છે. ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાઇરસનો નાશ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટળે છે.
આ ઉપરાંત પેટ ડોગના માલિકો કે જે પોતાના ડોગ માટે ખૂબ જ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન સમયે સન્માનપૂર્વક અંતિમસંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે. આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવી છે. ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવશે.
શહેરમાં 16843 પેટ ડોગના માલિકો દ્વારા 19162 પેટ ડોગ્સની નોંધણી કરાવાઈ છે, જેમની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અબોલ અને અણમોલ જીવને માનવીય સંવેદનાથી અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવસેવા કાર્ય CNCD વિભાગની આ પહેલ ગણાશે.
અંતિમવિધિ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં
CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે પેટ ડોગના અંતિમસંસ્કાર માટે જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેમની પાસેથી અંતિમવિધિ માટે ચાર્જ લેવામાં આવશે નહીં. જે લોકોએ પેટ ડોગનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે તેમની યથાશક્તિ પ્રમાણે ઓનલાઈન ડોનેશન કરી શકશે. પેટ ડોગ પૂરતી હાલ આ વ્યવસ્થા કરવામાં આવી છે.