અલાસ્કા એર ગ્રુપમાં મોટી છટણી! 200 કર્મચારીઓની નોકરી જશે, આ વર્ષે $700 મિલિયનના નુકસાનની આશંકા

અલાસ્કા એર ગ્રુપમાં મોટી છટણી! 200 કર્મચારીઓની નોકરી જશે, આ વર્ષે $700 મિલિયનના નુકસાનની આશંકા

વિશ્વભરમાં વધી રહેલા ઇંધણના ભાવ અને આર્થિક પડકારોની અસર હવે એરલાઇન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. અમેરિકાની અલાસ્કા એર ગ્રુપે ખર્ચ ઘટાડવા માટે અંદાજે 200 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ છટણીમાં નોન-કોન્ટ્રાક્ટ સ્તરના કર્મચારીઓ જ અસરગ્રસ્ત થશે.

કંપનીના CEO બેન મિનિકુચીએ કર્મચારીઓને મોકલેલા આંતરિક મેમોમાં ચેતવણી આપી છે કે જો વર્તમાન નાણાકીય પરિસ્થિતિ યથાવત રહેશે, તો કંપનીને આ વર્ષે 700 મિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે. આ સ્થિતિ કંપની માટે ગંભીર છે, કારણ કે કોરોના મહામારીના સમયગાળાને બાદ કરતાં વર્ષ 2003 પછી પ્રથમ વખત કંપનીને એડજસ્ટેડ પ્રી-ટેક્સ નુકસાન થવાની શક્યતા છે.

કંપનીના કુલ 32,500 કર્મચારીઓમાંથી 1 ટકાથી પણ ઓછા કર્મચારીઓ આ નિર્ણયથી પ્રભાવિત થશે. જેમાં વોશિંગ્ટન રાજ્યના 125 અને હવાઈના 48 પદોનો સમાવેશ થાય છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ફ્રન્ટલાઇન અને નોન-મેનેજમેન્ટ કર્મચારીઓની નોકરીઓ પર કોઈ અસર થશે નહીં.

13 નવેમ્બર છેલ્લો કાર્યકારી દિવસ

છટણીનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે 13 નવેમ્બર છેલ્લો કાર્યકારી દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જોકે, કંપની તરફથી તેમને 31 ડિસેમ્બર સુધી નિયમિત પગાર આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓને સર્વરન્સ પે એટલે કે નોકરી ગુમાવવાના બદલામાં આર્થિક સહાય તેમજ કારકિર્દી સંબંધિત મદદ પણ પૂરી પાડવામાં આવશે.

વિસ્તરણની યોજના વચ્ચે ખર્ચનો બોજ

એક તરફ અલાસ્કા એર ગ્રુપ પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ક્ષેત્રે પોતાનો વ્યાપ વધારવાની યોજના પર કામ કરી રહી છે, તો બીજી તરફ ક્રૂડ ઓઇલ અને એવિએશન ફ્યુઅલના વધતા ભાવ કંપનીની આવક પર દબાણ ઊભું કરી રહ્યા છે.

CEO બેન મિનિકુચીના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીનો ઓવરહેડ ખર્ચ આવકની સરખામણીએ વધુ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં કંપનીએ ફરી નાણાકીય શિસ્ત જાળવવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે વધતા ઇંધણના ભાવ, સંચાલન ખર્ચ અને વૈશ્વિક તણાવને કારણે એરલાઇન કંપનીઓ સામે પડકારો વધી રહ્યા છે. તેની અસર હવે ફ્લાઇટના ભાડાં, શેડ્યૂલ અને કર્મચારીઓની નોકરીઓ સુધી પહોંચી રહી છે.